અમાસના તારા

કિસનસિંહ ચાવડા

વ્યિક્તચિત્રો, સંસ્મરણો અને આત્મકથા-અંશો – એવી ત્રિવિધ મુદ્રા ધરાવતું આ પુસ્તક છે. એનું સૌથી વધુ રસપ્રદ પાસું એનું પ્રસન્ન રમણીય ગદ્ય છે. બા જેવાં રેખાચિત્રોની લખાવટ વાર્તા જેવી રસાળ છે. એનો આર્દ્ર વાત્સલ્ય રસ ચરિત્ર-લેખનને આસ્વાદ્ય બનાવે છે. બીજાં કેટલાંક લખાણોમાં અધ્યાત્મ અને રહસ્યની રેખાઓ છે છતાં એની શૈલી પ્રવાહી અને રસળતી છે.

પુસ્તકમાં આત્મકથાત્મક અંશોને ગૂંથતાં સ્મૃતિચિત્રો બહુ માર્મિક છે ને વ્યિક્તચિત્રો યાદગાર છે. એનો અનુભવ આ પુસ્તક વાંચતાં વાંચતાં સૌને થવાનો.

તો, પ્રવેશીએ અમાસના આકાશમાં ચમકતા તારકો જેવાં તેજસ્વી અને રમ્ય આલેખનોની ચિત્રવિથિમાં...

કિસનસિંહ ચાવડા

જિપ્સી ઉપનામથી લેખનકાર્ય કરનાર કિસનસિંહ ચાવડા (જ.1904–અવ.1979) ગૂજરાત વિદ્યાપીઠ અને શાંતિનિકેતનમાં શિક્ષણ લઈને જન્મસ્થળ વડોદરામાં, સાધના મુદ્રણાલય સ્થાપીને રહેલા. છેલ્લાં વીસેક વર્ષ એમણે અલમોડા પાસેના આશ્રમમાં નિવાસ કરેલો.

એમનાં લખાણોની રંગદર્શી અને ચિત્રાત્મક શૈલીની પાછળ જીવનની મંગલતાનો ધબકાર હતો. અમાસના તારા અને જિપ્સીની આંખે – એ બે પુસ્તકોમાં એમનાં હૃદયસ્પર્શી સંસ્મરણો છે, તો અમાસથી પૂનમ ભણી-માં અધ્યાત્મની અંતર-યાત્રા છે. કિશનસિંહે નવલકથા અને વાર્તાઓ પણ લખી હતી. એ ઉપરાંત એમણે હિંદી સાહિત્યનો ઇતિહાસ તથા કબીર સંપ્રદાય જેવા અભ્યાસગ્રંથો આપેલા તેમ જ કેટલાક અનુવાદો પણ કરેલા. સુઘડતા અને સુબદ્ધતા એમના વ્યિક્તત્વનાં મહત્વનાં લક્ષણો હતાં.

(પરિચય: રમણ સોની)