વાર્તાવિશેષ

રઘુવીર ચૌધરી

રઘુવીર ચૌધરીના સમગ્ર વિવેચનકાર્યમાંથી પસાર થતાં સતત એક ઉત્તમ આસ્વાદક-વિવેચકની, એક સહ્રદય ભાવકની ઉપસ્થિતિનો અનુભવ થાય છે.
‘વાર્તાવિશેષ’ની પહેલી આવૃત્તિ 1976માં પ્રગટ થઈ હતી. ત્યાર પછી પણ તેઓ સતત લખતા રહ્યા છે. સાંપ્રત સાથે તેમનું અનુસંધાન હંમેશા રહ્યું છે. પરિણામે નીવડેલા વાર્તાકારોની સાથે સાથે નવોદિત વાર્તાકારોની વાર્તાઓને પણ તેમના ઉષ્માથી ભરેલા નિરીક્ષણ-પરીક્ષણનો લાભ મળ્યો છે. વિભિન્ન સમયે લખાયેલાં એક જ સ્વરૂપ પરનાં લખાણો એકસાથે આ સંવર્ધિત આવૃત્તિમાં મળે છે. તેમાંથી સ્વરૂપ વિશેના વિકસતા કે બદલાતા દ્રષ્ટિબિંદુનો વિગતે પરિચય મળે છે.

આ ગ્રંથમાં ટૂંકીવાર્તાની ગતિવિધિનું માર્મિક અવલોકન-આકલન છે. ટૂંકીવાર્તાના સ્વરૂપ વિશે વિચારણા કરતા લેખો છે. ટૂંકીવાર્તા વિશેના આસ્વાદલક્ષી લેખોમાં વાર્તાનો પરિચય કરાવતાં કરાવતાં જ તેમની નજર લેખક અને તેના સમય પર ફરતી રહે છે. આથી લગભગ બધે જ એક ઐતિહાસિક આલેખ મળી રહે છે. સાથે ગુજરાતી તેમ જ અન્ય ભાષાઓની વાર્તાઓની ચર્ચામાં તુલનાત્મક અભિગમ પણ ધ્યાન ખેંચે છે.

આ ગ્રંથમાં વાર્તાના પ્રત્યક્ષ પરિચયમાં મુકાવા જેવો સઘન આસ્વાદ-અનુભવ મળે છે. એક વાર વાર્તા વાંચી હોય છતાં બીજીવાર વાંચવાની ઈચ્છા થાય એ બળ આ વિવેચનમાં રહેલું છે. ગુજરાતી સાહિત્યના અધ્યાપકો તેમ જ વાર્તાના અભ્યાસી વિવેચકો તેમ જ વાર્તાકારોને પણ આ ગ્રંથ અત્યંત ઉપયોગી થશે.

— પારુલ કંદર્પ દેસાઈ

રઘુવીર ચૌધરી

રઘુવીર દલસિંહ ચૌધરી, ‘લોકાયતસૂરિ’, ‘વૈશાખનંદન’ (૫-૨-૧૯૩૮): કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, ચરિત્રકાર, વિવેચક. જન્મ બાપુપુરામાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ માણસામાં. ૧૯૬૦માં હિંદી વિષય સાથે બી.એ.માં પ્રથમ વર્ગમાં પ્રથમ આવી અધ્યાપનકાર્યનો આરંભ. ૧૯૬૨માં એમ.એ. ૧૯૭૯માં હિંદી-ગુજરાતી ધાતુકોશ વિષય પર પીએચડી. બી.ડી.આર્ટસ કોલેજ, ગૂજરાત વિદ્યાપીઠ અને હ.કા.આર્ટસ કોલેજ, અમદાવાદમાં લાંબો સમય અધ્યાપન, ૧૯૭૭થી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં હિંદીના અધ્યાપક. ૧૯૬૫માં કુમારચંદ્રક, ૧૯૭૫માં રણજિતરામ સુવર્ણચંદ્રક અને ૧૯૭૭માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર તેમજ ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક. ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યકર, મંત્રી, પ્રમુખ, ટ્રસ્ટી. નિવૃત્તિ પછી રંગદ્વાર પ્રકાશન અને વતનમાં ખેતીવાડીના કામોમાં વ્યસ્ત.

રઘુવીર ચૌધરી વિપુલ અને નોંધપાત્ર નવલકથાલેખન દ્વારા સતત વંચાતા – વિવેચાતા નવલકથાકાર છે. નોવેલ ઑફ આઈડિયાનું નોંધપાત્ર દૃષ્ટાંત 'અમૃતા’ છે. એમની નવલકથાઓમાં માનવસંબંધની – ખાસ કરીને સ્ત્રીપુરુષ સંબંધની સંકુલતાનું આલેખન ધ્યાન ખેંચે છે. રચનારીતિનું વૈવિધ્ય ધરાવતી તેમની વાર્તાઓમાં વૈયક્તિક સંવેદનથી વ્યાપક અનુભવ તરફની ગતિ જોઈ શકાય છે. તેમની કવિતામાં વતન પ્રત્યેની અતૂટ માયા અને શહેરી વસવાટને કારણે અનુભવાતી જુદાઈની વેદના જોઈ શકાય છે. એકાંકી – નાટક, ચરિત્ર, નિબંધ, વિવેચન, સંપાદનક્ષેત્રે પણ તેમણે મહત્ત્વનું પ્રદાન કર્યું છે.