સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા

દક્ષા વ્યાસ

સુન્દરમ્ કૃત ‘અર્વાચીન કવિતા’ અને જયન્ત પાઠક કૃત ‘આધુનિક કવિતાપ્રવાહ’ સાથે અનુસંધાન રચતો આ ગ્રંથ મૂળે શ્રી દક્ષા વ્યાસે તેમના પીએચ.ડી.ના શોધનિબંધ માટે કરેલો અભ્યાસ છે. સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતાની રૂપરેખા આપતો આ વિવેચન ગ્રંથ ‘પૂર્વરંગ’ (૧૯૪૦–૧૯૫૫) અને ‘ઉત્તરરંગ’ (૧૯૫૬–૧૯૭૬) એમ બે ખંડમાં વિભાજિત છે. ‘પૂર્વરંગ’માં ૧૯૪૦થી — ‘બારી બહાર’ના પ્રકાશન વર્ષથી — લઈને ૧૯૫૫ સુધીની કવિતા અને ‘ઉત્તરરંગ’માં ૧૯૫૬થી — ‘છિન્નભિન્ન છું’થી— શરૂ કરીને ૧૯૭૬ સુધીની કવિતામાં પ્રગટેલા નૂતન આયામોની કૃતિ-કર્તાલક્ષી અભિગમથી વિવેચના થઈ છે. શરૂઆતમાં ૧૮૫૦થી ૧૯૪૦ સુધીની ગુજરાતી કવિતાની ભૂમિકા બાંધીને, પ્રથમ ખંડ ‘પૂર્વરંગ’માં ગાંધીયુગની ઓસરતી જતી પરંપરા અને તેની સમાંતરે પ્રગટેલો સૌંદર્યરાગી ઉન્મેષ અને નગરસંસ્કૃતિની કવિતાનો ઉદ્ભવ અહીં સસંદર્ભ સમજાવ્યો છે. દ્વિતીય ખંડ ‘ઉત્તરરંગ’માં આધુનિક (મોડર્ન) કવિતાપ્રવાહનો, એનાં પોષક પરિબળોની ચર્ચા સહિત, સમીક્ષાત્મક આલેખ આપવામાં આવ્યો છે. અહીં લેખિકાએ આધુનિક કવિઓના પ્રયોગોને સમભાવપૂર્વક ચકાસીને તેની યથોચિત સરાહના કરી છે તો સમાંતરે તેમની શિથિલતાઓ પણ ચીંધી બતાવી છે. દરેક કવિનાં પ્રતિનિધિ કાવ્યોમાંથી નમૂનારૂપ પંક્તિઓ ટાંકીને તેની સંવેદના, છંદ-લય, કલ્પન અને ભાષાકર્મ પરત્વે દેખાતા વિશેષોને અનુલક્ષીને જે તે કવિની સર્જકપ્રતિભા લેખિકાએ આલેખી આપી છે. જે તે કવિની સર્જકતાનું મૂલ્યાંકન અહીં ઉચિત સંદર્ભસહિત, કોઈ પણ પૂર્વગ્રહ વગર, સમતોલ દૃષ્ટિબિંદુથી, રસાળ શૈલીમાં થયું છે.

— અનંત રાઠોડ

દક્ષા વ્યાસ

સાહિત્યકાર અને સમાજસેવી દક્ષા વ્યાસનો જન્મ ૨૬ ડિસેમ્બર ૧૯૪૧ના દિને વ્યારામાં થયો. તેમણે કૉલેજનું પહેલું અને બીજું વર્ષ વ્યારામાં કર્યું અને પછી સુરત કાકાના ઘરે રહીને બે વર્ષ સુરતની એમ.ટી.બી. આર્ટસ કોલેજમાં ભણવાનો મોકો મળ્યો. એમ.એ. અને પીએચ.ડી. તેઓ  નોકરી સાથે ભણ્યાં. કવિ-વિવેચક જયન્ત પાઠકનાં માર્ગદર્શનમાં ‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા:પરિદર્શન’ પર શોધનિબંધ લખીને પીએચ.ડી. ની પદવી મેળવી. ઈ.સ.૧૯૮૧માં આ કામ પુસ્તક તરીકે પ્રકાશિત થયું જેની વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ ‘અર્વાચીન કવિતા’ અને ‘આધુનિક કવિતાપ્રવાહ’ પછીના મહત્વના પ્રદાન તરીકે નોંધ લીધી. ગુરુકુળ મહિલા કૉલેજ, પોરબંદરમાં છ વર્ષ અધ્યાપન કર્યા પછી માદરે વતન વ્યારાની કોલેજમાં નિવૃત્તિ પર્યંત રહ્યાં.

વ્યારા કોલેજમાં તેમણે આદિજાતિ અને ગ્રામીણ વિકાસ સંશોધન કેન્દ્રને  પ્રવૃત્તિસભર રાખ્યું. સંશોધક તરીકે સહકર્મી નવીન મોદી સાથે તેમનું આગવું કામ એટલે ‘ગામીત જાતિ સામાજિક અને સાંસ્કૃતિક અધ્યયન (૧૯૯૩) જેને ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો. પછીથી તેમણે પોતે જ આ પુસ્તકનો હિન્દીમાં અનુવાદ કર્યો. તેમણે ‘ગામીત કહેવત સંચય: બોલી અને સંસ્કૃતિ સંદર્ભ’, ‘આદિવાસી સમાજ : કેટલાક લેખો’નું સહલેખન કર્યું તથા ગામીત જાતિનાં લોકગીતોનું સંપાદન કર્યું. ‘આતમને અજવાળે’માં તેમનાં ચિંતનલેખો સંગૃહિત થયાં છે.

જયન્ત પાઠકના બે કાવ્યસંગ્રહો, મહાદેવી વર્માનું ‘શૃંખલાની કડીઓ’ તથા રવીન્દ્રનાથ ટાગોરની કવિતાઓના તેમના અનુવાદ પણ પુરસ્કૃત થયા છે. દક્ષા વ્યાસનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘અલ્પના’ ગુજરાતી સાહિત્ય પરિષદે ઈ.સ.૨૦૦૦ માં પ્રકાશિત કર્યો. ત્યાર બાદ ‘પગલાં જળનાં’ (૨૦૧૩) અને ‘તરસ ટકોટક’ (૨૦૧૭) પ્રગટ થયાં. સંશોધન ઉપરાંત તેમનાં પંદર કરતાં વધારે પુસ્તકો વિવેચનનાં છે જેમાં સૌન્દર્યદર્શી કવિઓમાં તેમણે નિરંજન ભગત, રાજેન્દ્ર શાહ, ઉશનસ્ અને જયન્ત પાઠક જેવા પ્રશિષ્ટ કવિઓ પર ચર્ચા કરી છે. ‘કાવ્યાનુયોગ’, ‘રૂપક ગ્રંથિ’, ‘અનુસર્ગ’, ‘પરિપ્રેક્ષણા’, ‘સંમુખમ્’, ‘અનુબંધ’ વગેરે પુસ્તકો વિવેચનનાં છે. પોતાના શોધનિબંધનું કામ આગળ લઈ જઈને તેમણે ઈ.સ. ૨૦૧૦માં ‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા: પરિદર્શનના બે ભાગ ‘પૂર્વરંગ’ અને ‘ઉત્તરરંગ’ આપ્યા. ‘ઉત્તરાંચલ: એક અનુભૂતિ’ અને ‘કીલીમાંજારો’ નામે પ્રવાસવર્ણન અને ‘ક્ષણ હસવું’ શીર્ષકથી હાસ્યલેખોનાં પુસ્તકો છે.

છેલ્લા પાંચ-સાત વર્ષોમાં તેમણે જયન્ત પાઠકનું ગુરુઋણ એ રીતે અદા કર્યું કે કવિના તેર સંગ્રહોની કવિતા ‘વિસ્મયલિપિ’ શીર્ષકથી સંપાદિત કરી. આ ગ્રંથ ગુજરાતી સાહિત્ય અકાદમીએ પ્રકાશિત કર્યો છે. તે પછી પણ કવિની અગ્રંથસ્થ કવિતાઓની સાતથી વધારે ડાયરી હતી. તેમાંથી પસંદ કરીને ‘ઉત્કંઠ’ના ત્રણ ભાગ મળીને ૧૨૦૦ જેટલાં પૃષ્ઠોમાં જયંત પાઠકની સમગ્ર અગ્રંથસ્થ કવિતાઓ ફરીથી ગુજરાતી સાહિત્ય અકાદમીએ પ્રકાશિત કરી. ‘પ્રશિષ્ટ કૃતિ અને બીજા’માં પ્રશિષ્ટ કૃતિઓ પર લખાયું છે.

શરૂઆતથી તે અત્યાર સુધી જે ગુરુજનોએ તેમનું માર્ગદર્શન કર્યું તેમના પ્રત્યે આદર અને કદરના ભાવરૂપે તેમણે ‘પથપ્રદીપ’માં હીરાબહેન પાઠક, ગુલાબદાસ બ્રોકર, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી જેવા ગુરુજનો તથા પોતાના ગામના પથદર્શક વડીલો અને માતા-પિતા વિશે ચરિત્રલેખો કર્યા છે. વ્યારામાં વર્ષો સુધી વ્રતની જેમ સાંધ્યગોષ્ઠિ ચલાવનાર દક્ષા વ્યાસે આ તમામ વક્તાઓ અને તેમનાં  વક્તવ્યોની નોંધનું પુસ્તક આપ્યું છે, તો વ્યારાની શિવાજી લાયબ્રેરીને ૧૫૦ વર્ષ પૂરાં થયાં ત્યારે તેનો ઇતિહાસ પણ લખ્યો છે. છેલ્લા એક દાયકાથી તેઓ હસમુખભાઇ પટેલ પ્રેરિત parenting for peace નું કામ સંભાળે છે અને તે અંતર્ગત ‘બાળક અને આપણે’ પુસ્તક કર્યું છે.

બાળકલ્યાણ કામગીરીના સુરત જિલ્લાના નિયુક્ત ચેરમેન તરીકે તેમણે સક્રીય કામગીરી કરી છે. વ્યારાના ભગિની સમાજમાં બહેનોના વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરનાર દક્ષા વ્યાસે ભારતીય સાહિત્ય અકાદમીમાં ‘અસ્મિતા’ કાર્યક્રમ અંતર્ગત મુંબઈમાં સર્જક કેફિયત પણ આપી છે. પોતાના ગામની  અને તેથી આગળ સાહિત્યની સેવા માટે સમર્પિત દક્ષા વ્યાસ બહુઆયામી વ્યક્તિત્વ ધરાવે છે એમ સહેજે કહી શકાશે.

— સંધ્યા ભટ્ટ