સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ ગ્રંથ ૧

રમણ સોની : સંપાદક

કર્તાસંદર્ભ

સાહિત્યકોશો સામાન્ય રીતે લેખકનામના કે કૃતિનામના અકારાદિક્રમે થતા હોય છે. એથી એમાં લેખક કે કૃતિની વિગત સરળતાથી હાથવગી થાય. પરંતુ સાહિત્યનો ઈતિહાસ સમયના ક્રમે લખાય છે. તે તે સમયના યુગસંદર્ભમાં લેખકોની, એમની કૃતિઓની, એમાંથી રચાતા સ્વરૂપ-વિકાસની વિગતો ઈતિહાસ આલેખે છે. પણ આમ કરતી વખતે ઈતિહાસકારે બધું એકસાથે હાથ પર લેવું પડતું હોય છે. એથી કર્તાઓના જન્મસમયો કે કૃતિઓના પ્રકાશનસમયો એમાં એક રેખા પર આવી શકતા નથી.

આ કારણે રૈખિક સમયસંદર્ભ મુજબના કોશની જરૂરિયાત હોય છે – એ પ્રયોજનથી આ કોશ તૈયાર કર્યો છે.

આ કોશ અર્વાચીન ગુજરાતી સાહિત્યના, પહેલા લેખકથી લઈને સમયક્રમે આજસુધીના લેખકોને સમાવતો, ને જેમ જેમ વિગતો મળે એમ નવા લેખકોને સમાવીને સતત સંવર્ધિત થનારો કોશ છે.

૧૯મી સદીથી, દાયકાવાર લેખકવિગતો અહીં મૂકી છે જેથી કોઈ અભ્યાસીને ધારો કે ૧૯૨૧થી ૧૯૩૦ના દાયકામાં જન્મેલા, કે એને વિસ્તારીને ૧૯મી પૂર્વાર્ધના કે ૨૦મી ઉત્તરાર્ધના લેખકો વિષે કોઈ કામ કરવું હોય તો આ કોશ ઉપયોગી નીવડશે; લેખકોનાં જન્મશતાબ્દી વર્ષ અંગે કોઈ કાર્યક્રમ કે પરિસંવાદ કરનારને આ કોશ સીધી માહિતી આપશે. જૂના લેખકોની જન્મ‘તારીખો’(ને અવસાન તારીખો, વર્ષો) આ કોશમાં તરત સુલભ થશે. ટૂંકમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, અભ્યાસીઓ, પત્રકારો સૌને માટે આ કોશ ઉપયોગી થશે.

આ કોશ માત્ર નામ-જન્મની વિગતો આપીને અટકી નથી જતો; તે તે લેખકને નામે પહેલું કયું પુસ્તક પ્રકાશિત થયું એની વિગત પણ આપે છે. જેથી ‘લેખક’ તરીકે એનો પહેલો પ્રાદુર્ભાવ ક્યારે થયો એ ઐતિહાસિક વિગત પણ સાંપડે.

આ કોશ એક બીજી સુવિધા પણ આપે છે, જન્મસમય પ્રમાણે આમાં લેખકનામો હોવાથી કોઈ લેખકનું નામ કેવી રીતે શોધવું? તો પુસ્તકને અંતે, બધાં જ લેખકોની એક સૂચી મૂકી છે. એ સૂચી લેખકની અટકના નામથી, અકારાદિક્રમે શરૂ થાય છે. કોઈને ધારો કે ભાઈશંકર પુરોહિતની વિગત શોધવી હોય તો પુરોહિતના આકારાદિક્રમે એમનું નામ તથા જન્મવર્ષ મળશે. એને આધારે કોશની મૂળ ટેક્સ્ટમાં જન્મવર્ષના ક્રમે એમની વિગતો જડશે.

આનંદ એ વાતનો છે કે, નવા લેખકોની તેમજ ખૂટતાં લેખકનામોની વિગતો ઉમેરવાનું સંદર્ભવિદ્ અનંત રાઠોડે સ્વીકાર્યું છે. હું એમનો આભારી છું.

એકત્રે આ પ્રકલ્પ હાથ ધર્યો એનો આનંદ વ્યક્ત કરું છું.

—રમણ સોની

રમણ સોની : સંપાદક

ચાર દાયકા સુધી ગુજરાતી ભાષા-સાહિત્યનું અધ્યાપન કરીને વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયેલા રમણ સોની (જ. 1946) ગુજરાતીના વિવેચક, નિબંધકાર, અનુવાદક, સંશોધક અને સંપાદક છે. ગુજરાતી  વિવેચનના વિશેષો અને વિલક્ષણતાઓ પર એ સતત નજર રાખતા રહ્યા છે. કવિ-વિવેચક ઉશનસ્ પરના શોધનિબંધ પછી એમના વિવેચનસંદર્ભ, સાભિપ્રાય, સમક્ષ, મથવું ન મિથ્યા તથા ગિરિધરો અને પિચ્છધરોની વય્ચે – એવા વિવેચન-ગ્રંથોમાં વસ્તુના નક્કર સ્પર્શ વાળાં વિવેચન-લખાણો એમની પાસેથી પ્રાપ્ત થયાં છે. મરમાળી અભિવ્યિક્તથી નિ:સંકોચપણે નિર્ભિક વિવેચન કરવા છતાં વિવેચનમાં એમનો મૂળ અભિગમ તટસ્થ, વિધાયક અને ઇતિહાસલક્ષી રહ્યો છે.  જેની 16 આવૃત્તિઓ થઈ છે એ તોત્તોચાન, ઉપરાંત અમેરિકા છે ને છે જ નહીં જેવા સુબોધ અનુવાદગ્રંથો; વલ્તાવાને કિનારે જેવું લાક્ષણિક પ્રવાસ-પુસ્તક; સાત અંગ, આઠ અંગ અને– જેવો હાસ્યનિબંધ સંગ્રહ સર્જકતાનો સ્પર્શ આપનારાં છે. એમણે કરેલાં અનેકવિધ અભ્યાસશીલ સંપાદનોમાં શાસ્ત્રીયતા અને વિવેચકની સજ્જતાનો સુમેળ છે. પ્રત્યક્ષ જેવા  પુસ્તક-સમીક્ષાના સામયિકને અઢી દાયકા સુધી સંપાદિત કરીને સાહિત્યિક પત્રકારત્વના ક્ષેત્રે સંપાદક તરીકે એમણે અમીટ છાપ પાડી છે. નેપથ્યેથી પ્રકાશવતુર્ળમાં તેમ જ અવલોકન-વિશ્વ જેવા ગ્રંથો પ્રત્યક્ષના ઉપક્રમે પ્રકાશિત કરીને એમણે વિવેચન-સંશોધન ક્ષેત્રે ગુજરાતી વિવેચનની આબોહવાને સતત સંચારિત કરી છે.

(પરિચય – કિશોર વ્યાસ)