પંચોતેરમે

બલવંતરાય કલ્યાણરાય ઠાકોર

બલવંતરાય ઠાકોરના 75મા વર્ષની ઉજવણી વખતે એમનાં પ્રવચનો અને એમની આત્મકથનાત્મક નોંધોને સંકલિત કરતું સંપાદન કિસનસિંહ ચાવડાએ કરેલું એનું આ ગ્રંથરૂપ 1946માં થયેલું. એમાં ઠાકોરે પ્રાસ્તાવિક આભારનોંધ લખી છે ને કિસનસિંહે ‘સત્યવંદના’ નામે ઠાકોરના સાહિત્યકાર્યની સરાહના કરતો 13 પાનાંનો સંપાદકીય લેખ કર્યો છે.

બલવંતરાયે ભાવનગર, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, પૂના અને મુંબઈમાં 1943-44 દરમ્યાન 7 પ્રવચનો કરેલાં. એ પ્રવચનોમાં કેટલીક પ્રાસંગિકતા છે, તે તે શહેરની વિદ્યા-સાહિત્યવિષયક વિશેષતાઓની વાત છે, પરંતુ એેમાં વખતોવખત સાહિત્ય અને વ્યાપક જીવન-સંદર્ભના કેટલાક વિચાર-સ્ફુલ્લિંગો ઝળકી રહે છે. એમનાં કેટલાંક દૃઢ ગૃહીતો પણ એમાં વ્યક્ત થયેલાં છે. વક્તવ્યની ને શૈલીની જીવંત છટાઓનો અનુભવ પણ આ લખાણોમાં થાય છે.

90 પાનાંનાં આ પ્રવચનો પછીનાં 96 પાનાં ‘મિતાક્ષરી નોંધ’નાં છે એમાં ઠાકોર કહે છે એમ ‘આ વ્યવસ્થિત જીવનચરિત્ર ભલે નથી પણ એમાં મ્હારા જીવનનાં કેટલાંક સ્મરણો અનાયાસ આવી જઈ ગુંથાઈ જવા પામેલાં છે.’ ચરિત્ર-આત્મચરિત્રની આ રેખાઓ ઠાકોરની લાક્ષણિક લખાવટથી રસપ્રદ બની છે. ઇતિહાસના અભ્યાસી ઠાકોરે વંશ-વૃક્ષ આલેખ્યું છે, દાદા, પિતા, માતા, પત્ની વગેરેની સુરેખ તેમ નિખાલસ વ્યક્તિરેખાઓ ઉપસાવી છે, પોતાના કેટલાક જીવન-અનુભવોનું ટૂંકું ‘મિતાક્ષરી’ આલેખન કર્યું છે. એ રીતે એ બલવંતરાયનું લાક્ષણિક આત્મકથન બને છે.

–રમણ સોની

બલવંતરાય કલ્યાણરાય ઠાકોર

બલવંતરાય કલ્યાણરાય ઠાકોર(1869-1952) પ્રયોગશીલ કવિતાથી અને વિદ્રોહશીલ પણ નક્કર વિવેચનથી ગુજરાતી સાહિત્યમાં એક નવો વળાંક લાવનાર પ્રો. ઠાકોર પંડિતયુગનો એક પ્રભાવક અવાજ હતા.

એમનો જન્મ ભરૂચમાં. પૂનાની ડેક્કન કોલેજમાં ઇતિહાસ વિષય સાથે એમ.એ. થવા જોડાયા એ પછી કરાંચી, વડોદરા, અજમેર એમ વિવિધ કોલેજોમાં ઇતિહાસ, ફિલોસોફી તેમજ અંગ્રેજી સાહિત્યનું અધ્યાપન કરીને ફરી પૂનાની ડેક્કન કોલેજમા અધ્યાપક રહ્યા. નિવૃત્તિ પછી વડોદરા ને છેલ્લે મુંબઈમાં વસ્યા.

એમની કવિતા ‘ભણકાર’ ધારા પહેલી(1918) ને ધારા બીજી(1828), તથા ‘મ્હારાં સોનેટ’ (1935)માં પ્રગટ થતી રહી ને પછી એ સર્વ કાવ્યો ‘ભણકાર’ની 1942ની આવૃત્તિ રૂપે 7 ગુચ્છોમાં ગ્રંથસ્થ થયાં. એમાં ‘પ્રેમનો દિવસ’ અને ‘સુખદુ:ખ’ સોનેટમાળાઓ તેમજ લાંબું કાવ્ય ‘આરોહણ’ સૌથી વધુ જાણીતાં થયેલાં ઉત્તમ કાવ્યો છે. બદ્ધ છંદોને પ્રવાહી ને અગેય કર્યા એ એમનું મહત્ત્વનું પ્રદાન છે. ‘ઊગતી જુવાની’(1923) નાટક, ‘દર્શનિયું’(1924) વાર્તાસંગ્રહ વગેરે એમનાં અન્ય સર્જનકાર્યો છે. એમણે ડાયરી લખેલી એ ‘બ. ક. ઠાકોરની દિન્કી’ નામે બે ભાગમાં (1969 અને 1976માં) એમના અભ્યાસી વિદ્વાન હર્ષદ મ. ત્રિવેદીએ પ્રગટ કરી છે. ગુજરાતીના ડાયરી-સાહિત્યમાં એ ખૂબ મહત્ત્વનું પ્રકાશન છે.

એમનું વિવેચન-કાર્ય લેખો ને વ્યાખ્યાનો દ્વારા નિરંતર અને પ્રભાવક રીતે ચાલતું રહ્યું અને એ ‘કવિતાશિક્ષણ’(1924)થી ‘પ્રવેશકો’ ગુચ્છ બીજો(1961) સુધીના દસ જેટલા ગ્રંથોમાં પ્રગટ થયું. સમકાલીન કાવ્યો અને એનાં વિવરણો કરતી એમની લેખમાળા ‘પ્રસ્થાન’ સામયિકમાં ચાલેલી એ ‘આપણી કવિતાસમૃદ્ધિ’(1931) નામે પ્રગટ થઈ. એ એમનું વિશિષ્ટ પ્રદાન છે.

‘અભિજ્ઞાન શકુન્તલા નાટક’(1906), ‘માલવિકાગ્નિમિત્ર’(1933), ‘વિક્રમોર્વશી’(1958) એ કાલિદાસનાં નાટકોના વિલક્ષણ અનુવાદો છે. એમણે બીજા પણ થોડાક અનુવાદો કરેલા છે.

એમણે મધ્યકાલીન સાહિત્યનાં ‘અંબડ-વિદ્યાધર રાસ’ અને ‘વિક્રમ ચરિત્ર રાસ’ નામનાં અભ્યાસપૂર્ણ સંપાદનો કર્યાં છે ને ઇતિહાસના અભ્યાસી વિદ્વાન તરીકે ઇતિહાસ દિગ્દર્શન(1928), સંક્રાન્તિ સમયમાં સ્ત્રીઓ(1928) જેવાં પુસ્તકો પણ લખેલાં છે.

એમના પ્રબળ વિચારોની જેમ એમની ગદ્યશૈલી પણ ઓજસ્વી છે ને એ બલવંતરાય ઠાકોરની આગવી ઓળખરૂપ છે.

– રમણ સોની