નર્મદ – અર્વાચીન ગદ્યપદ્યનો આદ્યપ્રણેતા

રામનારાયણ વિશ્વનાથ પાઠક

નર્મદ વિશે આપેલાં બે દીર્ઘ વ્યાખ્યાનો ‘નર્મદાશંકર કવિ’ અને ‘નર્મદનું ગદ્ય’ને સમાવતું આ પુસ્તક 1945માં પ્રકાશિત થયેલું.

પહેલા વ્યાખ્યાનમાં નર્મદની કવિતામાંથી ભરપૂર ઉદાહરણો લઈને એ કવિતાની આસ્વાદાત્મક, સમીક્ષા કરી છે ને સમગ્રના સંદર્ભે એનું મૂલ્યાંકન પણ કર્યું છે. બીજા વ્યાખ્યાનમાં નિબંધ, કોશ, વિવેચન, વક્તવ્યો, ‘રાજ્યરંગ’ વગેરેને સમાવતા નર્મદના સર્વ ગદ્યગ્રંથોની તપાસ કરીને ગદ્યકાર નર્મદની ઉચિત મૂલવણી કરી છે.

‘નર્મગદ્ય’ની શાલેય આવૃત્તિમાં મહીપતરામે કેવા અનુચિત ફેરફારો કરી દીધેલા એની ચર્ચા અનેક તુલનાત્મક ઉદાહરણો નોંધીને પાઠકસાહેબે સ્પષ્ટ રીતે કરી છે, તો પરિશિષ્ટમાં નર્મદની ઉદારતા ક્યાંક ઉડાઉગીરી પણ હતી એ પણ બતાવ્યું છે.

ગદ્યપદ્ય-સર્જક તરીકે નર્મદની વિલક્ષણ પ્રતિભા આ પુસ્તકમાં અધિકૃત રીતે ઊપસી છે.

– રમણ સોની

રામનારાયણ વિશ્વનાથ પાઠક

રામનારાયણ વિશ્વનાથ પાઠક (1887-1955) : આપણા સંમાન્ય વિવેચક રા. વિ.પાઠકનો જન્મ ધોળકા પાસેના ભોળાદમાં, મુંબઈમાંથી તર્કશાસ્ત્ર અને ફિલસૂફી સાથે બી.એ. અને એલએલ.બી. થઈને એમણે 1911થી અમદાવાદમાં થોડાંક વર્ષ વકીલાત કરી. એ છોડીને 1921થી વિદ્યાપીઠમાં ફિલસૂફી અને સાહિત્યનું અધ્યાપન કર્યું. 1925થી ‘પ્રસ્થાન’ સામયિકના તંત્રી તરીકે જૂની-નવી પેઢી સાથે પ્રેરક અનુબંધ રચ્યો, ને શિક્ષક-વિવેચક તરીકે ‘ગાંધીયુગના કાવ્યગુરુ’ ગણાયા. પછી મુંબઈ-અમદાવાદની કોલેજોમાં પણ અધ્યાપન કર્યું.

મુખ્યત્વે એ ગુજરાતી સાહિત્યના વિવેચક – પંડિતયુગ અને ગાંધીયુગના સેતુરૂપ એક વરિષ્ઠ વિદ્વાન અને પિંગળકાર. ‘અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો’(1933) વગેરે 10 જેટલાં પુસ્તકોમાં એમની અવિરત વિવેચન-સાધના અંકિત થઈ છે. ‘બૃહત્ પિંગળ’(1955) એમનો અપ્રતિમ પિંગળગ્રંથ છે.

એ ઉપરાંત એમણે ‘દ્વિરેફ’ ઉપનામે વાર્તાસર્જન કર્યું – ગુજરાતી વાર્તાના આરંભકાળે પણ રચના-પ્રયોગશીલ નમૂનેદાર વાર્તાઓ આપી – એ ‘દ્વિરેફની વાતો’ના 3 ભાગો(1928, 1935, 1942)માં પ્રગટ થઈ છે ; ‘શેષ’ ઉપનામે સહજ ભાષાશૈલીમાં, ઊર્મિ-ચિંતન ઉભયના સ્પર્શવાળી છંદબદ્ધ ને ગીતકવિતા લખી – એ કાવ્યો ‘શેષનાં કાવ્યો’ (1938)માં ને પછી ‘વિશેષ કાવ્યો’(1959)માં સંચિત થયાં છે; ‘સ્વૈરવિહારી’ નામે એમણે હળવી શૈલીના ને પ્રાસાદિક વિચાર-વિમર્શના નિબંધો લખ્યા – એ ‘સ્વૈરવિહાર’ના 2 ભાગ(1931,1937)માં પ્રગટ થયા. એ ઉપરાંત પણ એમનાં ગદ્ય-પુસ્તકો પ્રગટ થયાં છે.

મમ્મટાચાર્યના ‘કાવ્યપ્રકાશ’નો રસિકલાલ પરીખ સાથે કરેલો અનુવાદ(1924), તેમજ અનેકવિધ સંપાદનો-સંચયો એમણે અભ્યાસીઓ, વિદ્યાર્થીઓ તથા જિજ્ઞાસુ સાહિત્યરસિકો માટે કરેલાં છે.

‘પાઠકસાહેબ’ના આદરણીય સંબોધનથી ઓળખાતા રહેલા રા.વિ.પા.ના સર્જન-વિવેચનના કોઈપણ લખાણનો મુખ્ય ગુણધર્મ પ્રાસાદિકતા ને પારદર્શતા રહ્યો છે એ એમના પ્રદાનની એક વિશેષ ને વિશિષ્ટ ઓળખ છે.

– રમણ સોની