મીડિઆ-મૅસેજ

સુમન શાહ

મીડિઆ-મૅસેજ / સુમન શાહ
આવરણ-ચિત્ર : મદીર શાહ, મીડિયા-સમીક્ષાના ૩૮ લેખો : ડૅમિ પૃ ૨૦૦ : પાર્શ્વ પ્રકાશન, ૧૯૯૩ : એકત્ર ફાઉન્ડેશન પ્રકાશન, ડિસેમ્બર ૨૦૨૩. 


દેશમાં આઠમા-નવમા દાયકામાં ટીવી અને કમ્પ્યુટરના પ્રવેશે ગતિ પકડેલી, એ વાતમાં મને રસ પડેલો. અને મેં સમીક્ષા રૂપે લેખો કરવાનું ચાલુ કરી દીધેલું. કમ્પ્યુટરે માહિતી-સ્ફોટ રૂપે અને ટીવીએ એક શક્તિશાળી માધ્યમ રૂપે પરમ્પરાગત માધ્યમોને પાછાં પાડી દીધેલાં. ત્યારે હું છાપાંમાં લખતો હતો અને મને આ પ્રગતિને ઉઘાડી આંખે જોવાનું ગમતું હતું.


લેખોમાં થોડી તિક્તતા છે અને વ્યાપક સ્વરૂપની સ્પર્શક્ષમ સમીક્ષા છે. આજે તો ભારતીય મિડીઆ વિકસીને ક્યાં જઈને ઊભું છે !


કેટલાક લેખો યાદ કરી લઉં : સુખ્યાત લેખ - ઝૂંપડાં માથે ઍન્ટેના. પૃથ્વી હવે ‘ગ્લોબલ વિલેજ’. ટીવી અને કમ્પ્યુટર (વિેશે ૫ લેખો). મીડિઆ અને કમ્યુનિકેશન. સમૂહ માધ્યમ રૂપે છાપાં. કટારલેખકની આચારસંહિતા. ‘અર્ધ સત્ય’ ‘તમસ’ ‘પાર્ટી’ (ફિલ્મો વિશે). ઍનઆરઆઈ ફિલ્મો -પૉર્નો કે આર્ટ? માસ્ટર ઍન્ટરટેઇનર રાજકપૂર. દૂરદર્શનનાં ત્રણ પ્રશંસનીય સાહસો. સ્વાયત્ત દૂરદર્શન. ‘મહાભારત’ પૂરું થયું. શું મળ્યું? પ્રચારભારતીથી પ્રસારભારતી. ઉપરાન્ત. રાજીવ ગાંધી, પ્રણય રૉય, વિનોદ દુઆ વિશે વાતો...


આ પુસ્તકનું પુનર્મુદ્રણ થયેલું અને ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસક્રમમાં મુકાયેલું.

— સુમન શાહ

સુમન શાહ

સુમન શાહ

ગુજરાતી સાહિત્યક્ષેત્રે વાર્તાકાર, નવલકથાકાર, નિબન્ધકાર, સમીક્ષક, અનુવાદક અને તન્ત્રી-સમ્પાદક તરીકે જાણીતા પ્રો. ડૉ. સુમન શાહનો જન્મ ૧ નવેમ્બર ૧૯૩૯ના રોજ વડોદરા પાસેના ડભોઈમાં થયો હતો. આખું નામ, સુમનચન્દ્ર ગોવિન્દલાલ શાહ.
 
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સુરેશ હ. જોષીના માનીતા વિદ્યાર્થી. અભ્યાસકાળથી જ તેજસ્વી. ઉપલેટા-કપડવંજની કૉલેજોમાં અધ્યાપન કર્યા પછી બોડેલી કૉલેજમાં આચાર્ય બન્યા. એ વર્ષોમાં સુરેશ હ. જોષીના સમગ્ર સાહિત્ય પર સંશોધન કરી અને પીએચ.ડી.ની પદવી મેળવી. ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ, ભાષાભવનમાં ગુજરાતી ભાષા-સાહિત્યના પ્રૉફેસર અને વિભાગીય અધ્યક્ષ તેમજ પ્રૉફેસર ઇમેરિટસ-પદે હતા. નિવૃત્ત થઈને અમદાવાદમાં સ્થાયી થયા. બંને દીકરાઓ વિદેશમાં હોવાથી એ પણ પ્રવાસી બન્યા.
 
ગુજરાતી સાહિત્યના પ્રાધ્યાપક તરીકેની ૪૨ વર્ષની કારકિર્દીમાં એમણે ભારતીય અને પાશ્ચાત્ય સાહિત્ય-સિદ્ધાન્તનું અધ્યાપન સવિશેષે કર્યું. અમેરિકાની યેલ યુનિવર્સિટીમાં વિઝિટિન્ગ ફૅલો અને યુનિવર્સિટી ઓવ પૅન્સિલ્વેનિયામાં રાઇટર-ઇન-રેસિડેન્ટરૂપે એમણે સેવાઓ આપી છે. પીઓરીઆ, ઇલિનૉયની આઈસીસીમાં એમણે ભણાવ્યું છે. એમનાં ૮૦થી વધુ પ્રકાશનો છે.
 
પ્રારમ્ભે વિવેચનક્ષેત્રે ઉત્તમ કાર્ય કરીને પોતાની વિદ્વત્તાનો પરિચય કરાવ્યો. વિવેચન તો એમને મન અનિવાર્ય લેખન છે પણ સર્જનમાં એમને ઊંડો રસ છે. ‘જૅન્તી-હંસા સિમ્ફની’, ‘ફટફટિયું’ વગેરે ૬ વાર્તાસંગ્રહો; ‘ખડકી’, ‘બાજીબાજી’ જેવી નવલકથાઓના સર્જક સુમન શાહે ‘વેઇટ્-અ-બિટ્’ તથા ‘બાય-લાઇન’ ‘વસ્તુસંસાર’ અને ‘સાહિત્ય સાહિત્ય’ -1 -2 -3 -4 નિબન્ધસંગ્રહો પણ આપ્યા છે.
 
અધ્યયન-અધ્યાપન સુમન શાહ માટે જીવન છે. ‘સન્નિધાન’ના ઉપક્રમે એમણે ગુજરાતીના અધ્યયન-અધ્યાપનમાં નૂતન પ્રાણસંચાર કર્યો હતો. ‘Care for Literature’ એ જ એમને મન એકમેવ કર્તવ્ય છે.
 
૨૦૦૮-માં એમના 'ફટફટિયું' વાર્તાસંગ્રહ સંદર્ભે કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો એમને અવૉર્ડ અપાયો છે. એમના ૬ વાર્તાસંગ્રહો પ્રકાશિત છે. ૧૯૬૨માં રવીન્દ્રનાથ ટાગોર ચન્દ્રક, ૧૯૬૪માં હરગોવિન્દદાસ કાંટાવાલા સુવર્ણચન્દ્રક, ૨૦૧૩-માં પ્રેમાનંદ સુવર્ણચન્દ્રક અને ૨૦૧૪-માં એમને સાહિત્યકારગૌરવ પુરસ્કાર અપાયા છે. ૨૦૧૭માં એમને વિષ્ણુપ્રસાદ ત્રિવેદી સમીક્ષા-પારિતોષિક અપાયું છે.
 
શૈશવથી એમને ભક્ત-કવિ દયારામ ઘણા પ્રિય, કેમ કે પોતે દયારામના ગામના છે. અઠવાડિયે ઓછામાં ઓછી એક વિદેશી ફિલ્મ જોવી કે સાથી જડી આવે તો એની જોડે ચેસ રમવી એ એમના કાયમના શોખ છે. 
 
૨૦૦૨થી ઔપચારિક રીતે નિવૃત્ત આ સાહિત્યકાર નિરન્તરની શબ્દોપાસનાને કારણે વર્તમાનમાંય એટલા જ સક્રિય રહ્યા છે. દર શનિવારે 'નવગુજરાત સમય' દૈનિકમાં તેઓ ‘સાહિત્ય સાહિત્ય' કૉલમ લખે છે.
 
— કૃતિ-કર્તા પરિચય: મણિલાલ હ. પટેલ