કુંવરબાઈનું મામેરું

પ્રેમાનંદ

કૃતિપરિચય :  ‘કુંવરબાઈનું મામેરું’

 

આ આખ્યાન પ્રેમાનંદનાં બધાં આખ્યાનોમાં ઉત્તમ અને રમણીય ગણાયું છે. એ નાનું છે, સુઘડ છે, એક જ કથાપ્રસંગ પર રચાયેલું છે.

નિર્ધન નરસિંહ મહેતા, ઈશ્વર પરની દૃઢ શ્રદ્ધાથી પુત્રી કુંવરભાઈનું મામેરું ઉત્તમ રીતે પાર પાડે છે. એ મુખ્ય પ્રસંગના પેટાપ્રસંગો અને પાત્રો છે : મહેતાનીભક્તિ અને નિર્ધનતાનો ઉપહાસ કરતી ટિખળખોર પણ નિષ્ઠુર ને અભિમાની નાગરી નાત,  એવાં હીણાં સાસરિયાં અને પ્રેમાળ નિર્દોષ પિતા વચ્ચે – શ્રદ્ધા અને સંદેહની ફડક વચ્ચે પીસાતી કુંવરબાઈ, પરમ નિઃસ્પૃહ પણ પુત્રીવત્સલ ભક્ત નરસિંહ, એમને સહાય કરવા શેઠ-શેઠાણીનું રૂપ લઈને આવતાંવિષ્ણુ અને લક્ષ્મી. આવાં વિવિધ ચરિત્રો, ઉપહાસ-ઉચાટ-રાહત-આનંદ રૂપે બદલાતી જતી પરિસ્થિતિઓ, હાસ્ય-કરુણ-અદ્‌ભુતના રસપલટા,  પ્રસંગોનેઆબેહૂબ તાદૃશ કરતું ને બહેલાવતું કથાકારનું કૌશલ તેમ જ લયની, પ્રાસની, રાગઢાળની,  શબ્દોની ને એમના માર્મિક અલંકરણની સુંદરતાથી સોહતુંકવિનું સર્જનકર્મ –એ બધું પ્રસન્ન કરનારું અને તે સમયના શ્રોતાઓની જેમ જ આજના વાચકને પણ રસ-તરબોળ કરનારું બન્યું છે.

આખ્યાનનો કથન-પ્રવાહ એવો અસ્ખલિત છે કે કાવ્ય આરંભથી અંત સુધી આહ્‌લાદક આનંદ આપે છે.

તો, હવે કાવ્યમાં પ્રવેશીએ –

પ્રેમાનંદ

કવિપરિચય : પ્રેમાનંદ

ઉત્તમ સર્જક સમયના કોઈપણ તબક્કે મળી આવે. એ રીતે પ્રેમાનંદ ૧૭મી સદીના એક પ્રતિભાવંત અને લોકપ્રિય ગુજરાતી સર્જક હતા.

એક કુશળ કથાકારની ને શબ્દમરમી કવિની એમ બેવડી શક્તિ એમનામાં હતી. કથન-પરંપરાનો ને પ્રાચીનકાવ્યો-કથાનકોની પરંપરાનો એમને પરિચયહતો. રજૂઆતની કળાની કોઠાસૂઝ પણ એમનામાં હતી. એક વ્યવસાયી કથાકાર તરીકે પોતાનાં આખ્યાનકાવ્યોને ગાયન-પઠન-અભિનયન એમ ત્રિવિધરીતે રજૂ કરતા પ્રેમાનંદ એમના ભાવિક-રસિક શ્રોતા-સમુદાયને કથા-કવિતાનું રસપાન કરાવતાં એમને દિવસો સુધી લીન કરી શકતા હશે. જે રીતે આજનીટીવી-શ્રેણીઓમાં એના આકર્ષક ઘટના-અંશો(એપિસોડ્‌ઝ) રસપ્રદ પ્રસંગ આગળ અટકે ને પછીનો કથા-અંશ જોવા પ્રેક્ષકોને બેતાબ કરે એવી કુશળ-રસિક કથનશૈલી પ્રેમાનંદની પણ હતી.

પરંતુ પ્રેમાનંદે આવું લોક-રંજન જ કરેલું એમ નથી, એક પરિપક્વ કવિ અને કલ્પનાશીલ કથનકલાકાર તરીકે પ્રાચીન કથા-ઘટનાઓનું સારસત્ત્વ ગ્રહણકરીને તથા પાત્રોનાં અંતરમાં ઊંડે ઊતરીને, પ્રસંગો-પરિસ્થિતિઓના ઝીણા મર્મો ઉઘાડીને, એમણે માનવ-ભાવનાની અને ઊર્મિની સૂક્ષ્મતાઓનો સ્પર્શપણ કરાવેલો છે. જે રીતે માનવજીવન-વ્યવહારનો એમને બહોળો પરિચય હોવાનું જણાય છે, એવી જ રીતે માનવમનનાં વિવિધ સ્તરોને જોઈ શકનારીસર્જકદૃષ્ટિ પણ એમનામાં હતી. એથી આજે આપણી વિકસિત સાહિત્ય-રુચિને પણ,  પ્રેમાનંદનાં આખ્યાનો પ્રસન્ન ને પ્રભાવિત કરી શકે છે.

એમણે રચેલાં ઘણાં આખ્યાનોમાં ઓખાહરણ (રચના ૧૬૬૭), સુદામાચરિત્ર(૧૬૮૨), મામેરું(૧૬૮૩), અને નળાખ્યાન(૧૬૮૬) વિશેષ મહત્ત્વનાંછે.  

–રમણ સોની