મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા

રમણ સોની : સંપાદક

મધ્યકાલીન કવિતાનું, લગભગ ૧૦૦૦ પાનાંમાં વિસ્તરેલું આ બૃહદ સંપાદન, ૧૨મીથી ૧૯મી સદી સુધીનાં લગભગ ૭૦૦ વર્ષના વિસ્તીર્ણ સાહિત્યના એક આચમન જેવું છે, પરંતુ એ સમગ્ર ગુજરાતી મધ્યકાળની કવિતાનું એક સઘન ને રસપ્રદ ચિત્ર સૌ સામે ધરે છે, એથી એ એક તરત હાથવગો પ્રતિનિધિ સંગ્રહ છે.

આ સંપાદનમાં, કવિઓની ઉત્તમ લઘુ પદકવિતાની, તેમજ આખ્યાન/રાસ/ચોપાઈ/પદ્યવાર્તા જેવાં દીર્ઘ કાવ્યોમાંથી મહત્ત્વના લાગેલા અંશોની પસંદગી કરેલી છે. જરૂર લાગી ત્યાં લાંબી કૃતિઓની પરિચયદર્શક નોંધો પણ કરી છે. જાણીતા ઉત્કૃષ્ટ કવિઓની કવિતા સાથે અહીં ઓછા પરિચિત કવિઓની પણ માર્મિક કવિતા છે.

મુખ્ય અનુક્રમ કવિઓના સમય-અનુસાર કર્યો છે, પણ એ પૂર્વે કવિનામોનો એક અકારાદિ અનુક્રમ પણ મૂક્યો છે. એથી ઇચ્છિત કવિ સુધી પણ સરળતાથી પહોંચી શકાશે.

કાવ્યકૃતિઓ(Text)ના આરંભે દરેક કવિનો ટૂંકો પરિચય, પસંદ કરેલી કૃતિઓનાં નામ-સંખ્યા (જેમકે ૩૦ પદો; ઓખાહરણ;) વગેરેની ભૂમિકાનોંધ કરીને એ પછી કાવ્યકૃતિઓ મૂકી છે. લોક-કવિતાનાં રચના-સંકલન પણ મધ્યકાળના સમયગાળામાં આવી જાય એથી છેલ્લે પસંદગીનાં લોકગીતો પણ મૂક્યાં છે.

મુખ્ય કવિઓનાં, સુલભ છે એ ચિત્રો મૂક્યાં છે, તથા મધ્યકાળની વિશેષ ઓળખ તરીકે હસ્તપ્રતોના થોડાક નમૂના પણ મૂક્યા છે.

રમણ સોની : સંપાદક

ચાર દાયકા સુધી ગુજરાતી ભાષા-સાહિત્યનું અધ્યાપન કરીને વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયેલા રમણ સોની (જ. 1946) ગુજરાતીના વિવેચક, નિબંધકાર, અનુવાદક, સંશોધક અને સંપાદક છે. ગુજરાતી  વિવેચનના વિશેષો અને વિલક્ષણતાઓ પર એ સતત નજર રાખતા રહ્યા છે. કવિ-વિવેચક ઉશનસ્ પરના શોધનિબંધ પછી એમના વિવેચનસંદર્ભ, સાભિપ્રાય, સમક્ષ, મથવું ન મિથ્યા તથા ગિરિધરો અને પિચ્છધરોની વય્ચે – એવા વિવેચન-ગ્રંથોમાં વસ્તુના નક્કર સ્પર્શ વાળાં વિવેચન-લખાણો એમની પાસેથી પ્રાપ્ત થયાં છે. મરમાળી અભિવ્યિક્તથી નિ:સંકોચપણે નિર્ભિક વિવેચન કરવા છતાં વિવેચનમાં એમનો મૂળ અભિગમ તટસ્થ, વિધાયક અને ઇતિહાસલક્ષી રહ્યો છે.  જેની 16 આવૃત્તિઓ થઈ છે એ તોત્તોચાન, ઉપરાંત અમેરિકા છે ને છે જ નહીં જેવા સુબોધ અનુવાદગ્રંથો; વલ્તાવાને કિનારે જેવું લાક્ષણિક પ્રવાસ-પુસ્તક; સાત અંગ, આઠ અંગ અને– જેવો હાસ્યનિબંધ સંગ્રહ સર્જકતાનો સ્પર્શ આપનારાં છે. એમણે કરેલાં અનેકવિધ અભ્યાસશીલ સંપાદનોમાં શાસ્ત્રીયતા અને વિવેચકની સજ્જતાનો સુમેળ છે. પ્રત્યક્ષ જેવા  પુસ્તક-સમીક્ષાના સામયિકને અઢી દાયકા સુધી સંપાદિત કરીને સાહિત્યિક પત્રકારત્વના ક્ષેત્રે સંપાદક તરીકે એમણે અમીટ છાપ પાડી છે. નેપથ્યેથી પ્રકાશવતુર્ળમાં તેમ જ અવલોકન-વિશ્વ જેવા ગ્રંથો પ્રત્યક્ષના ઉપક્રમે પ્રકાશિત કરીને એમણે વિવેચન-સંશોધન ક્ષેત્રે ગુજરાતી વિવેચનની આબોહવાને સતત સંચારિત કરી છે.

(પરિચય – કિશોર વ્યાસ)