ખાંભીઓ જુહારું છું

ઝવેરચંદ મેઘાણી

‘પરકમ્મા’ પુસ્તક પચાસ વરસ પહેલાં, 1946માં, પ્રગટ થયું, ને બીજે જ વરસે એની નવી આવૃત્તિ છપાઈ. પણ પછી ત્રીજી આવૃત્તિ બહાર પડતાં લગભગ સાડા ત્રણ દાયકા વીતી ગયા. મેઘાણીસાહિત્યના ચાહકોનું ધ્યાન આ મહત્ત્વના પુસ્તક તરફ, કોણ જાણે કેમ, પૂરતું દોરાયું લાગતું નથી. એટલે તેનો સંક્ષેપ મેઘાણી શતાબ્દી વર્ષના આરંભે વાચકો પાસે મૂકતી વેળા એવી શ્રદ્ધા રાખીએ છીએ કે આ વાંચ્યા પછી આખું ‘પરકમ્મા’ વાંચવામાં ઘણા વધારે વાચકોને રસ પડશે.

લગભગ 275 પાનાંના મૂળ પુસ્તકમાં મુખ્યત્વે બે પ્રકારની સામગ્રી છે. લોકસાહિત્યના સંશોધન માટે ચોવીસેક વરસ સુધી સૌરાષ્ટ્રની ધરતીને ખૂંદતાં ખૂંદતાં ઝવેરચંદ મેઘાણી પોતાની ટાંચણપોથીઓમાં દોડતી કલમે-પેનસિલે કેટલીયે મિતાક્ષરી નોંધો કરતા રહેતા હતા. બે-ત્રણ હજાર પાનાંની એ નોંધોને આધારે ‘સૌરાષ્ટ્રની રસધાર’, ‘સોરઠી બહારવટિયા’ અને ‘કંકાવટી’ની વારતાઓ, ‘રઢિયાળી રાત’ અને ‘ચૂંદડી’નાં લોકગીતો વગેરેના ત્રાગડા મેળવી મેળવી, વાણા-તાણા કરી વણેલા અકબંધ તાકા એ પ્રજા પાસે મૂકતા ગયા. પણ એ બધાં પુસ્તકોમાં જેનાં પાંખિયાં નહોતાં મેળવ્યાં, તેવા વેરણછેરણ કટકાબટકા એમની ટાંચણપોથીઓમાં વણવાપર્યા પડયા રહેલા. એવી નાનીમોટી વિગતો, વાર્તિકો ને ટુચકાઓમાંથી રસપ્રદ પ્રસંગો આલેખીને એમણે, જીવનના અંતકાળે, આત્મકથાની નવી રીતે તેને ઉપયોગમાં લીધા ‘પરકમ્મા’માં.

સાથેસાથે એમણે બીજું કામ કર્યું, પોતાના રઝળપાટને માર્ગે જે જે જીવતાં જનો વાતો કહેનારાં ભેટર્યાં હતાં તેમની ઓળખાણને પણ ગ્રંથસ્થ કરી લેવાનું. ટાંચણપોથીઓમાંથી જાણે કે પોતાનાં સ્વજનોની સમાધોને ખોળતાં ખોળતાં તેમની ખાંભીઓને એ જુહારતા ગયા. પરિણામે મેઘાણીના હૃદયમાં પડેલી કેટલીય છબીઓ ‘પરકમ્મા’માં ચિરસ્મરણીય રૂપે રજૂ થઈ છે, તે એમના સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન ધરાવે તેવી છે. છેક 1921-22માં મેઘાણીને લોકસાહિત્યની દીક્ષા જેમની પાસેથી મળી તે હડાળાના વાજસૂર વાળાથી માંડીને, જેના કલેજામાં પડેલી કવિતાએ 1929માં મેઘાણીની પોથીમાં વિસામો મેળવ્યો તે અનાડી યુવાન સુધીનાં પોતાનાં ચાલીસેક પ્રિયજનોનાં વ્યક્તિચિત્રો-પ્રસંગચિત્રો લેખકે ‘પરકમ્મા’માં આલેખેલાં છે. તેને ટૂંકાવીને, નવેસર ગોઠવીને, અહીં મૂક્યાં છે. ‘કેટલાં રઝળપાટ...’ વાળો પ્રસંગ લેખકના પુસ્તક ‘સોરઠી ગીતકથાઓ’ના પ્રવેશકમાંથી અહીં ઉમેરેલ છે. ‘પરકમ્મા’માંથી જે એક જ પ્રકારનું લખાણ આ સંક્ષેપમાં મૂકેલ છે, તેને અનુરૂપ નામ આ પુસ્તકને આપેલું છે.

રવીન્દ્રનાથ જયંતી : 96-05-07

મહેન્દ્ર મેઘાણી

ઝવેરચંદ મેઘાણી

ઝવેરચંદ કાલિદાસ મેઘાણી (૧૮૯૭-૧૯૪૭ ) 'રાષ્ટ્રીય કવિ' નું બહુમાન પામેલા, લોકકંઠના કવિ અને લોકસાહિત્યના આપણા પાયાના અને અગ્રણી સંપાદક સંશોધક. મેઘાણી ઉત્તમ નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રલેખક, અનુવાદક, વિવેચક અને પત્રકાર હતા - એવી એમની બહુક્ષેત્રીય પ્રતિભા હતી.

મેઘાણી આપણા રાષ્ટ્રીય શાયર ગણાયા એ તો ખરું જ, પણ એમની મહત્ત્વની ઔળખ તો તળ સૌરાષ્ટ્રી ભાષાના ખમીરને તથા લોકસાહિત્યની મૂલ્યવાન પરંપરાને ઊંચકીને સૌની સામે મૂકનાર શોધક-સર્જક તરીકેની છે. 50  જ વર્ષનું આયુષ્ય ને એમાં લેખનકાર્ય તો પચીસ જેટલાં વરસનું – પણ એમાં કવિતા-વાર્તા-નવલકથા-રેખાચિત્ર-નાટક-વિવેચન તેમજ અનુવાદ અને પત્રકારી લખાણોનાં 88 ઉપરાંત પુસ્તકો એમણે આપ્યાં તથા લોકસાહિત્યનું સંપાદન-સંશોધન કર્યું.

જૂનાગઢમાંથી અંગ્રેજી-સંસ્કૃત સાથે બી.એ. થઈને કલકત્તા મેનેજરની નોકરી કરી પણ વતન અને લોકસાહિત્યના આકર્ષણે પાછા આવ્યા, `સૌરાષ્ટ્' સાપ્તાહિકમા જોડાયા, સાથે જ લોકસાહિત્યનું સંપાદન શરૂ કર્યું. એ પછી એમની સાહિત્ય-સર્જન અને પત્રકારત્વમાં સતત સાધના ચાલતી રહી. 'યુગવંદના' કાવ્યસંગ્રહ, 'સોરઠ તારાં વહેતાં પાણી' નવલકથા, 'વહુ અને ધોડો' જેવી ઉત્તમ વાર્તાઓને સમાવતા સંગ્રહો, 'સૌરાષ્ટ્રની રસધાર' જેવાં લોકસાહિત્ય સંપાદનો એમનું મહત્ત્વનું પ્રદાન છે.

ભાષાપ્રેમ અને પ્રદેશપ્રેમને કારણે, કલકત્તામાંની મેનેજરની નોકરી છોડીદઈને વતન પાછા ફર્યા અને પત્રકાર, લોકસાહિત્ય-સંપાદક અને સાહિત્યસર્જક તરીકે સતત કાર્યશીલ રહ્યા. સૌથી નાની (30ની) વયે રણજિતરામ સુવર્ણચંદ્રક એમને એનાયત થયેલો. ઉચ્ચશિક્ષણની સજ્જતાને એમણે તળ સાહિત્યના ઉત્થાન માટે યોજી એ મેઘાણીનુ ંઅગત્યનું અર્પણ ગણાશે.

પરિચય - રમણ સોની