કાંચનજંઘા

ભોળાભાઈ પટેલ

પ્રવાસના અનુભવોને આલેખતા આ નિબંધોમાં સ્થળવર્ણન, સાહિત્ય-સ્મરણ, સાંસ્કૃતિક વિમર્શ તો છે જ, પણ એ કરતાં અહીં અંગત સંવેદનનો ઊર્મિઉછાળ – એક પ્રકારનો લિરિકલ ટોન વધુ ઊપસે છે. ઘણુંખરું એ શાંતિનિકેતન-નિવાસ વખતે લખાયેલા, વર્તમાનપત્રમાં, સામયિકોમાં છપાયેલા, કેટલાક રેડીઓ પરથી પ્રસારિત થયેલા છે. પૂર્વ ભારતનાં કાંચનજંઘા, કલકત્તા, શાંતિનિકેતન, અસમ, માઝુલી; તો મધ્યપ્રદેશનું સાંચી; ઉત્તરમાં આબુ વગેરે સ્થળોનાં સૌંદર્યના રસાનુભવો આપણને પણ એવો જ રસાનુભવ કરાવે છે.
 
એ નિબંધોની ભાષામાં લાલિત્ય છે, એનાં વાક્યોમાં, પદાવલીમાં, ઉપમા આદિ અલંકારોમાં લેખકનું રુચિર સંવેદન સરસ ઊપસ્યું છે. દેશના વિવિધ ભાગોનાં આ ભ્રમણોની સાથે ઘર-વતનનાં ઉષ્માભરેલાં સ્મરણો પણ એટલાં જ રસપ્રદ રીતે નિરૂપણ પામ્યાં છે.
 
‘આ ફૂલનું નામ શું?’ એ નિબંધ તો એક પ્રસંગ-આધારિત છતાં પૂરેપૂરો લલિત નિબંધ છે. કેટલાક નિબંધો ઋતુકેન્દ્રી આહ્લાદને આલેખે છે.
 
પાછળના થોડાક નિબંધો ચિંતન અને ઊર્મિનું સમરસ નિરૂપણ કરતા, ને એમ વિશિષ્ટ સર્જકતા દાખવનારા છે. એવા એક નિબંધમાં લેખક કહે છે : ‘આપણે બસની રાહ જોતા હોઈએ, ત્યારે કંટાળીને ઘડિયાળ જોયા કરીએ એને બદલે આસપાસની એ સમયની આવનજાવન માણી શકીએ તો…’
 
ભોળાભાઈની આવી લાક્ષણિક સર્જકતાને માણવા હવે એમની સૃષ્ટિમાં જ પ્રવેશીએ…

ભોળાભાઈ પટેલ

ભોળાભાઈ પટેલ હિંદી સાહિત્યના અધ્યાપક અને ગુજરાતીના લેખક, વિવેચક અને સંપાદક, પ્રવાસ-નિબંધકાર અને અનુવાદક. એમનામાં વિદ્વાનની જિજ્ઞાસા અને સર્જકનું વિસ્મય એક સાથે વસતાં હતાં. એટલે નિરંજન ભગતે એમને ‘વિદગ્ધ રસિક’ તરીકે ઓળખાવેલા. વિદ્યાજિજ્ઞાસા એટલી કે શિક્ષક, અધ્યાપક ને પછી યુનિવસિર્ટીમાં હિન્દી સાહિયત્યના પ્રોફેસર થયા એ દરમ્યાન ને એ પછી પણ એ ભણતા રહ્યા – અંગ્રેજીમાં પણ એમ.એ. કર્યું, ભાષાવિજ્ઞાનનો ડિપ્લોમા કર્યો; પહેલાં બંગાળી ને પછી ઓડિયા જેવી ભારતીય ભાષાઓ શીખ્યા, જર્મન પણ શીખ્યા, જૂની લિપિના વર્ગો ભર્યા ને એની પરીક્ષા પણ આપી.
 
ત્રણ દાયકા સુધી ભણાવ્યું – એક જ શહેરમાં, અમદાવાદમાં. પણ એક જગાએ ધૂણી ધખાવી એમ નહીં, એ જાણે કે પ્રવાસી શિક્ષક રહ્યા. વિદ્યા-સાહિત્ય-નિમિત્તે પ્રવાસો કર્યા, નિજાનંદે પણ કર્યા, સાથી મિત્રો સાથે તેમ જ વિદ્યાર્થીઓ સાથે પણ સાંસ્કૃતિક ને પ્રકૃતિદર્શનના પ્રવાસો એ કરતા રહ્યા...દેશમાં ને વિદેશમાં.
*
ગુજરાતીના લેખક તરીકે સૌ પહેલાં એ વિવેચક. ‘અધુના’(૧૯૭૩) વગેરે એમનાં ઘણાં મહત્ત્વનાં વિવેચન-પુસ્તકો છે – સમીક્ષાનાં ને તુલનાત્મક અભ્યાસનાં. દરમ્યાન હિંદી, બંગાળી, ઓડિયામાંથી સરસ અનુવાદો કર્યા – ‘વનલતા સેન’ (૧૯૭૬), ‘સ્વર્ગની નીચે મનુષ્ય’(૧૯૭૭) વગેરે અનેક ઉત્તમ અનુવાદ-પુસ્તકો આપ્યાં. સર્જક તરીકે એ સ્મરણીય પ્રવાસપુસ્તકોના લેખક – ‘વિદિશા’(૧૯૮૦) વગેરે કેટલાં બધાં પુસ્તકોમાં એમની પેલી વિદગ્ધ રસિકતા અનુભવાય છે!
 
ગુજરાતી સાહિત્ય પરિષદના સામયિક ‘પરબ’નું એમણે લાંબો સમય સુચારુ સંપાદન કર્યું ને સંપાદકીય લેખોનાં બે પુસ્તકો આપ્યાં. ‘મળી માતૃભાષા મને ગુજરાતી’(૧૯૯૭) અને ‘આવ, ગિરા ગુજરાતી’(૨૦૦૧) એે ઉપરાંત પણ એમણે ‘ગુજરાતી સાહિત્યનો નવમો દાયકો’ વગેરે ઘણાં સંચયો-સંપાદનો કરેલાં.
 
શાંતિનિકેતનમાં તુલનાત્મક ભારતીય સાહિત્યના ફૅલો (૧૯૮૩-૮૪) રહેલા ભોળાભાઈ ગુજરાત સાહિત્ય અકાદમીના ચૂંટાયેલા પ્રમુખ હતા. ભારતીય સાહિત્ય અકાદમીના અવોર્ડ સમેત ઘણાં પારિતોષિકો એમને મળ્યાં હતાં.

(લેખક અને કૃતિપરિચય : રમણ સોની)