હનુમાનલવકુશમિલન

ભૂપેશ અધ્વર્યુ

ભૂપેશ અધ્વર્યુ આપણા એક વિચક્ષણ વાર્તાકાર હતા. એમની લગભગ દરેક વાર્તામાં રચનાગત પ્રયોગશીલતાનું આલેખન થયેલું હોવા છતાં વાર્તાઓ દુર્વાચ્ય બની નથી બલકે એનું વાચન રસપ્રદ બન્યું છે. ઝડપી ગતિવાળાં ફિલ્મદૃશ્યો જેવી ચિત્રાત્મકતા(‘વડ’ વાર્તા), વર્ણનોનો સર્જનાત્મક વિનિયોગ(‘અંત’, ‘લીમડાનું સફેદ ઝાડ’, ‘એક ખંડ આ —’), સ્ત્રીપુરુષ-સંબંધોનું કંઈક પ્રગલ્ભ પણ સંબંધનાં વિભિન્ન મનોરૂપોને ઉપસાવતી માર્મિકતા(‘છિનાળ’, ‘અલવિદા’) અને પુરાકથાને આધુનિક સંવેદન-આલેખનમાં લઈ જતી, લોકવાર્તાની શૈલીએ નિરૂપતી વિશિષ્ટ સર્જનાત્મકતા(‘હનુમાનલવકુશમિલન’) — ભૂપેશની વાર્તાઓની, આધુનિક ગુજરાતી વાર્તાઓમાં પણ એક આગવી મુદ્રા બાંધે છે.

સુવાચ્યતાથી પણ વાચકને સાદ્યંત રોકી રાખતી આ રસપ્રદ વાર્તાઓમાં હવે આપણે પ્રવેશીએ.

— રમણ સોની

 

ભૂપેશ અધ્વર્યુ

ભૂપેશ અધ્વર્યુ (જ. ૫, મે ૧૯૫૦ – અવ. ૨૧, મે ૧૯૮૨) યુવા વયે જ અવસાન પામેલા આપણા આ તેજસ્વી સર્જકે નાની વયે કવિતા-વાર્તા-લેખન આરંભેલું. ઓછું લખ્યું પણ આગવો અવાજ પ્રગટાવ્યો. સર્જનશીલતાનો વિશેષ ઉન્મેષ દાખવતાં એનાં બે પુસ્તકો ‘હનુમાનલવકુશમિલન’ (૧૯૮૨) વાર્તાસંગ્રહ અને ‘પ્રથમ સ્નાન’ (૧૯૮૬) કાવ્યસંગ્રહ એના અવસાન પછી મિત્રોએ સંપાદિત કરીને પ્રકાશિત કર્યાં. એની દરેક વાર્તા અલગ મુદ્રા વાળી તેમજ અદ્યતન પ્રયોગશીલતા અને પ્રશિષ્ટતાની સંયોજિત ગૂંથણીવાળી છે. એવું જ રૂપ એની કવિતાનું પણ ઊપસેલું છે. એના સમયમાં નવીન અને વરિષ્ઠ સાહિત્યકારો બંને માટે એ ધ્યાનપાત્ર સર્જક રહેલો. એના ધારદાર અને સાહિત્યકલાની ઊંડી સમજવાળા વિવેચનલેખો હજુ હવે પ્રકાશિત થશે.

થોડાંક વર્ષ ગુજરાતી સાહિત્યના અધ્યાપક રહ્યો એમાં સન્નિષ્ઠ શિક્ષક અને તેજસ્વી વિવેચક તરીકે સૌનાં પ્રેમ-આદર એ પામેલો. પણ પછી, એક સંવેદનશીલ વિચારક તરીકે શિક્ષણની ને આખા સમાજની વ્યવસ્થામાં વ્યક્તિની સ્વતંત્રતાને ખરીદી લેવાની ભ્રષ્ટતા જણાતાં નોકરી છોડીને સ્વતંત્ર સાહિત્યલેખન અને ફિલ્મદિગ્દર્શનની દિશામાં એ વળેલો. પૂના જઈને ફિલ્મ-એપ્રિશિયેશનનો કોર્સ પણ એણે કરેલો. છેલ્લે તો કલા અને સાહિત્યની સાર્થકતા વિશે પણ એ સાશંક થયેલો. એ વિશે એક લેખમાળા એ કરવાનો હતો. એ દરમ્યાન જ અકસ્માતે એનું અવસાન થયું.

અત્યંત સાદગીભર્યું અને લગભગ સ્વાવલંબી જીવન વીતાવનાર ભૂપેશ અધ્વર્યુ પર ગાંધીજીના ને વિશેષે કૃષ્ણમૂર્તિના વિચારોનો પણ પ્રભાવ હતો.