ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે

રમણ સોની

‘ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે’ (૨૦૧૩) એ રમણ સોનીનો નવમો વિવેચનસંગ્રહ છે. પુસ્તકમાં ૧૫ લેખો સાહિત્યવિચાર અને સાહિત્યપ્રવાહો સંબંધિત છે જ્યારે ૧૧ ગ્રંથસમીક્ષાઓ છે. આ ગ્રંથમાં મહત્ત્વના વિવેચનાત્મક અને સર્જનાત્મક ગ્રંથો વિશેના વિશ્લેષણમૂલક અભ્યાસલેખો પ્રાપ્ત થાય છે. ‘સ્વૈર આસ્વાદ-આલેખો’ કે ‘અહેવાલિયા ઉપરછલ્લા સારસંક્ષેપી પરિચયો’ નહીં પરંતુ જે તે કૃતિનું તાત્ત્વિક ભૂમિકાએ પરામર્શન કરીને, અહીં એની મુદ્દાસર છણાવટ કરીને વિશદ અને રસપ્રદ રીતે માણી-પ્રમાણી છે. લેખક પોતે એક સજ્જ સૂચિકાર, કોશકાર, સંદર્ભવિદ્ અને એક પ્રતિષ્ઠિત સામયિકના સંપાદક હોવાથી તે અંગેના લેખોમાં તેમના મૌલિક દૃષ્ટિકોણનો લાભ ‘૧૯મી સદીનાં સામયિકો : સાંસ્કૃતિક-સાહિત્યિક પ્રવાહો’, ‘સહાયક જ્ઞાનસાધનો અને એનું પદ્ધતિશાસ્ત્ર’, ‘કોશરચના-વિજ્ઞાનની નવી દિશાઓ’, ‘સાહિત્યસામયિકની ધરી : સંપાદકલેખકવાચક-સંબંધ’ જેવા લેખોને મળ્યો છે. ‘નર્મદનું નિબંધલેખન : પદ્ધતિવિશેષ અને ભાષાવિશેષ’, ‘સાહિત્યમાં ઇતિહાસલક્ષી વાસ્તવિકતા : ગાંધીયુગીન કવિતા’, ‘સિતાંશુ યશશ્ચંદ્રની કવિતા : અછાંદસનો રચનાબંધ’ વગેરે તેમના વિવેચનસામર્થ્યના નિર્દેશક લેખો છે. સઘન અભ્યાસશીલતા, મૌલિક વિચારશક્તિ, અભિનિવેશ વગરનાં અવલોકનો, સમતોલ દૃષ્ટિબિંદુ, વિષયની સૂક્ષ્મ તપાસ, રસજ્ઞ એવી સાહિત્યદૃષ્ટિ જેવા ગુણોને કારણે આ ગ્રંથ અનોખો બની રહે છે.

— અનંત રાઠોડ

રમણ સોની

ચાર દાયકા સુધી ગુજરાતી ભાષા-સાહિત્યનું અધ્યાપન કરીને વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયેલા રમણ સોની (જ. 1946) ગુજરાતીના વિવેચક, નિબંધકાર, અનુવાદક, સંશોધક અને સંપાદક છે. ગુજરાતી  વિવેચનના વિશેષો અને વિલક્ષણતાઓ પર એ સતત નજર રાખતા રહ્યા છે. કવિ-વિવેચક ઉશનસ્ પરના શોધનિબંધ પછી એમના વિવેચનસંદર્ભ, સાભિપ્રાય, સમક્ષ, મથવું ન મિથ્યા તથા ગિરિધરો અને પિચ્છધરોની વય્ચે – એવા વિવેચન-ગ્રંથોમાં વસ્તુના નક્કર સ્પર્શ વાળાં વિવેચન-લખાણો એમની પાસેથી પ્રાપ્ત થયાં છે. મરમાળી અભિવ્યિક્તથી નિ:સંકોચપણે નિર્ભિક વિવેચન કરવા છતાં વિવેચનમાં એમનો મૂળ અભિગમ તટસ્થ, વિધાયક અને ઇતિહાસલક્ષી રહ્યો છે.  જેની 16 આવૃત્તિઓ થઈ છે એ તોત્તોચાન, ઉપરાંત અમેરિકા છે ને છે જ નહીં જેવા સુબોધ અનુવાદગ્રંથો; વલ્તાવાને કિનારે જેવું લાક્ષણિક પ્રવાસ-પુસ્તક; સાત અંગ, આઠ અંગ અને– જેવો હાસ્યનિબંધ સંગ્રહ સર્જકતાનો સ્પર્શ આપનારાં છે. એમણે કરેલાં અનેકવિધ અભ્યાસશીલ સંપાદનોમાં શાસ્ત્રીયતા અને વિવેચકની સજ્જતાનો સુમેળ છે. પ્રત્યક્ષ જેવા  પુસ્તક-સમીક્ષાના સામયિકને અઢી દાયકા સુધી સંપાદિત કરીને સાહિત્યિક પત્રકારત્વના ક્ષેત્રે સંપાદક તરીકે એમણે અમીટ છાપ પાડી છે. નેપથ્યેથી પ્રકાશવતુર્ળમાં તેમ જ અવલોકન-વિશ્વ જેવા ગ્રંથો પ્રત્યક્ષના ઉપક્રમે પ્રકાશિત કરીને એમણે વિવેચન-સંશોધન ક્ષેત્રે ગુજરાતી વિવેચનની આબોહવાને સતત સંચારિત કરી છે.

– કિશોર વ્યાસ