ગીતામંથન (સંક્ષિપ્ત)

કિશોરલાલ મશરૂવાળા

કોઈ પણ ધર્મ-સંપ્રદાયના અનુયાયી હોવાનો દાવો ન કરતા હોય એવા અસંખ્ય લોકો, બીજાં વિચારપ્રેરક પુસ્તકોની સાથે સાથે વિવિધ ધર્મગ્રંથોનું કે તેના અંશોનું રસપૂર્વક વાંચન કરતા હોય છે, અને પોતાની સમજણ મુજબ તેમાંથી વિચારભાથું મેળવતા હોય છે. તે તે ધર્મના અનુયાયીઓને પોતાના ધર્મગ્રંથો માટે જે ભક્તિભાવ હોય તે પોતે ન અનુભવે, છતાં આવા વિચારપ્રેમીઓ તેવા ગ્રંથો માટે ઊંચો આદરભાવ કેળવી શકે છે — પછી તે ‘ગીતા’ હોય, ‘બાઇબલ’ હોય, ‘કુરાન’ હોય કે ‘ધમ્મપદ’ હોય.

આ જાતના આપણી નવી પેઢીના વાચકો મોટે ભાગે મૂળ ‘ગીતા’ સંસ્કૃતમાં નહિ વાંચી શકે. તેમ ‘ગીતા’ના સળંગ અનુવાદમાં પણ એમને ઘણાખરાને રસ ન પડે તેવું બને. એવા લોકો ‘ગીતા’નો આસ્વાદ જેના વડે કરી શકે એવું એક ઉત્તમ પુસ્તક કિશોરલાલ મશરૂવાળાનું ‘ગીતામંથન’ છે, તેનો આનંદદાયી અનુભવ મને છેક જીવનના સાતમા દાયકામાં થયો. તે આનંદમાં મારા જેવા બીજા સામાન્ય વાચકોને સહભાગી બનાવવાના હેતુથી એ પુસ્તકને ખૂબ ટૂંકાવીને સંકલિત કરવાનો આ નમ્ર પ્રયાસ છે. મૂળ પુસ્તકમાં સવા લાખ જેટલા શબ્દો હશે, તેના છઠ્ઠા ભાગ જેટલો નાનો આ સંક્ષેપ થયો છે.

આ પુસ્તક લખતી વેળાએ પોતાની દૃષ્ટિ આગળ વિચારી પણ સાધારણ ભણેલો વર્ગ જ હતો, એવું જણાવનાર લેખકે ‘ગીતા’ના અઢારેય અધ્યાય વિશે મંથન કરેલું છે; તેમાંથી સાત મારા જેવા વાચકોને કદાચ અઘરા લાગશે એમ ધારીને છોડી દીધા છે[…]”

 -કિશોરલાલ ઘ. મશરૂવાળા

 

 

કિશોરલાલ મશરૂવાળા

કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા (જ. ૫, ઑક્ટોબર ૧૮૯૦ – અવ. ૯, સપ્ટેમ્બર ૧૯૫૨) : મૌલિક અને નિર્ભિક વિચારક તરીકે જાણીતા હતા. ગાંધીજીના એક અંતેવાસી જેવા અને ગાંધીના કેટલાક વિચારોના ભાષ્યકાર જેવા હોવા છતાં એમની ગાંધીજીથી સ્વતંત્ર એવી નિજી વિચારણા પણ હતી. વિજ્ઞાનના સ્નાતક, રાષ્ટ્રિય શાળાના શિક્ષક, સ્વાતંત્ર્ય-સેનાની, 1946થી ‘હરિજન’ પત્રના તંત્રી મશરૂવાળાનું ખરું વ્યક્તિત્વ તો વિશ્લેષક ચિંતક-વિચારક તરીકેનું જ.

લેખક અને અનુવાદક તરીકે એમણે આપેલાં પુસ્તકોમાંથી વધુ મહત્ત્વનાં તારવીએ તો, ‘રામઅનેકૃષ્ણ’, ‘જીવનશોધન’, ‘સમૂળીક્રાન્તિ’, ‘કેળવણીનાપાયા’, ‘સ્ત્રીપુરુષમર્યાદા’, ‘કાગડાનીઆંખે’, એ મૌલિક પુસ્તકો તથા અનુવાદ-પુસ્તકો ‘વિદાયવેળાએ’ (ખલીલ જિબ્રાનકૃત ‘ધ પ્રોફેટ’), 'ઊધઈનું જીવન'(મેરિસમૅટરલિંક કૃત’ધ લાઈફ ઑફ ધ વ્હાઇટ ઍન્ટ્સ’) મુખ્યગણાય. 'ગીતાધ્વનિ’ નામે એમણે કરેલો ભગવદ્ગીતાનો સમશ્લોકી અનુવાદ પણ નોંધપાત્ર છે.

(પરિચય - રમણ સોની)