દોસ્તોએવ્સ્કી

સુરેશ જોષી

પચીસ છવ્વીસ વર્ષની વયે સુરેશ જોષી કરાંચીમાં ડોલરરાય માંકડ, ભવાનીશંકર વ્યાસ સાથે અધ્યાપક તરીકે સેવાઓ આપતા હતા. ત્યાંની કોલેજનું પુસ્તકાલય ખાસ્સું સમૃદ્ધ હતું. સ્ટીફન ત્સ્વાઇગ દ્વારા સુરેશ જોષીને રશિયન નવલકથાકાર દોસ્તોએવ્સ્કીનો પરિચય થયો અને સાવ નવું જગત ઊઘડી આવ્યું. અને પછી તો જાતજાતનાં જગતનો પરિચય થયો.

ક્યિર્કેગાર્દે ચિંતનમાં તો દોસ્તોએવ્સ્કીએ નવલકથાલેખનનાં અસામાન્ય પરિમાણો ઉઘાડી આપ્યાં. યુરોપીય તત્ત્વજ્ઞાન અને મનોવિજ્ઞાન દોસ્તોએવ્સ્કીનાં ખૂબ જ ઋણી છે. તેમની નવલકથાઓમાં ઘટનાબાહુલ્ય હોવા છતાં એરિસ્ટોટલ જેને ઘટનાપ્રધાન (એપિસોડિક) કહે તેવી તે નથી. માનવચિત્તનાં આટલાં ઊંડાણ ઓગણીસમી સદીમાં ભાગ્યે જ કોઈએ તાગ્યાં હશે.

ગુજરાતી સાહિત્યમાં દોસ્તોએવ્સ્કી ત્રીસીના ગાળાથી જાણીતા થયા હતા. જયંતિ દલાલે તેમની ‘ધ બ્રધર્સ કારામઝોવ’ નવલકથાનો અનુવાદ કર્યો હતો એમ કહેવાય છે. આજે પણ આ નવલકથાઓની સર્જકતા અનન્યસાધારણ છે. અહીં ‘ધ ઇડિયટ’ પરનો મારો લેખ પણ સમાવિષ્ટ કર્યો છે.

શિરીષ પંચાલ


 

સુરેશ જોષી

સુરેશ હ. જોષી (જ. 30-5-1920, અવ. 6-9-1986) ગુજરાતી સાહિત્યની એક અનોખી પ્રતિભા હતા.

કોઈપણ સાહિત્યમાં જુદીજુદી શક્તિવાળા અનેક લેખકો હોવાના, કેટલાક વિશેષ પ્રભાવશાળી પણ હોવાના; પરંતુ, આખા સાહિત્યસમયમાં પરિવર્તન આણનારા તો સદીમાં એકબે જ હોવાના – સુ.જો. એવા એક યુગવર્તી સાહિત્યકાર હતા.

એમનો જન્મ દક્ષિણ ગુજરાતના વાલોડમાં. નજીકના સોનગઢના વનવિસ્તારમાં એ ઊછર્યા. એ પ્રકૃતિના સૌંદર્યની, એની રહસ્યમયતાની એમના સર્જકચિત્ત પર ગાઢ અસર પડી.

મુંબઈથી એમ.એ. થઈને પછી કરાંચીમાં, વલ્લભવિદ્યાનગરમાં અધ્યાપન કર્યું. પણ એમની લાંબી કારકિર્દી (1951-1981) તો વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાં ગુજરાતીના પ્રોફેસર તરીકે રહી. વડોદરા જ એમની ઉત્તમોત્તમ સાહિત્યપ્રવૃત્તિનું થાનક બન્યું.

સુરેશ જોષીએ વિશ્વભરના સાહિત્યનો વિશાળ અને ઊંડો પરિચય કેળવ્યો. એ સમય પશ્ચિમનાં ચિંતન અને સાહિત્યમાં આધુનિકતા–modernityનો હતો. એના પરિશીલનદ્વારા પરંપરાગત ગુજરાતી સાહિત્યના પ્રવાહને એમણે, પ્રભાવક લેખનથી આધુનિકતાવાદી આંદોલનની દિશામાં પલટ્યો. સતત લખતા રહીને એમણે પોતાના વિવેચન દ્વારા અને ‘ક્ષિતિજ’ વગેરે 6 જેટલાં સામયિકો દ્વારા નવા યુગની મુદ્રા રચી; કવિતા-વાર્તા-નવલકથા-વિવેચનનાં અનેક પુસ્તકોના અનુવાદ દ્વારા એમણે પશ્ચિમની તેજસ્વી પ્રતિભાઓને ગુજરાતીના લેખકો-વાચકો સામે મૂકી આપીને એક નવા યુગની આબોહવા પ્રગટાવી.

સર્જક તરીકે એમણે કવિતા અને નવલકથા તો લખ્યાં જ, પણ એમની સર્જકતાનું શિખર એમની વિલક્ષણ ટૂંકી વાર્તાઓ. ‘ગૃહપ્રવેશ’(1957)થી શરૂ થતા એ વાર્તાપ્રવાહથકી એમણે માનવચિત્ત અને સંવેદનનાં ઊંડાણોનો પરિચય કરાવતી વિશિષ્ટ વાર્તા રચી – માત્ર કથા નહીં પણ રચના, એ સુરેશ જોષીનો વાર્તા-વિશેષ.

સુરેશ જોષીનું બીજું સર્જક-શિખર તે એમના સર્જનાત્મક, અંગત ઉષ્માવાળા લલિત નિબંધો. ‘જનાિન્તકે’(1965)થી શરૂ થયેલો એ આનંદ-પ્રવાહ બીજાં પાંચ પુસ્તકોમાં વિસ્તર્યો.

આવી બહુવિધ પ્રતિભાવાળા વિદગ્ધ વિવેચક અને સર્જક હોવા ઉપરાંત સુરેશભાઈ સમકાલીન અને અનુકાલીન ગુજરાતી સર્જકો - વિવેચકો માટે પ્રેરણારૂપ પણ બન્યા અને આધુનિક ગુજરાતી સાહિત્યનો નવો પ્રવાહ પ્રગટાવતી એક નૂતન પરંપરા ઊભી થઈ.

(પરિચય - રમણ સોની)