બૃહદ પિંગળ

રામનારાયણ વિશ્વનાથ પાઠક

‘બૃહત્ પિંગળ’ની આ પહેલી આવૃત્તિ 1955માં ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા દેવનાગરી લિપિમાં પ્રગટ થયેલી, જેથી હિંદી-મરાઠી-ભાષી અભ્યાસીઓ પણ કોઈ ખાસ વ્યવધાન વગર એ વાંચી શકે. એ પહેલાં રણછોડભાઈ દવે તથા કેશવલાલ ધ્રુવનાં પિંગળ અંગેનાં પુસ્તકો પણ દેવનાગરી લિપિમાં પ્રગટ થયેલાં.

છંદશાસ્ત્ર(પિંગળ)નાં સર્વ પાસાંને આવરી લેતો, અક્ષરમેળ-માત્રામેળ-સંખ્યામેળ છંદો ઉપરાંત ડિંગળના ને ગઝલના છંદોની, તેમ જ ગેય એવી દેશીઓની ને પ્રવાહી છંદપ્રયોગોની ભરપૂર ઉદાહરણો સાથેની પ્રત્યક્ષ ચર્ચા કરતો આ બૃહદ ગ્રંથ આપણી મોટી મૂડી છે. વિદ્વાન પ્રો. ડોલરરાય માંકડે એને યોગ્ય રીતે જ ‘શકવર્તી’ – સદીઓમાં એક વાર થતો – ગ્રંથ ગણાવ્યો છે.

સતત 16 વર્ષ સુધી વિવેચક-સર્જક રામનારાયણ પાઠકનું ચિત્ત છંદ-અભ્યાસમાં પણ રમમાણ રહ્યું. પિંગળ વિશેના અનેક પ્રાચીન-અર્વાચીન ગ્રંથોના અધ્યયન ઉપરાંત શાસ્ત્રીય સંગીતનો પણ જરૂરી પરિચય એમણે કેળવ્યો. કવિતાનો બહોળો પરિચય બલકે પરિશીલન તો એમનું હતું જ. ‘બૃહત્ પંગિલ’પૂર્વે એમનો છંદ-અભ્યાસ ‘પ્રાચીન ગુજરાતી છંદો : એક ઐતિહાસિક સમાલોચના’(1948), ‘ગુજરાતી પિંગળ નવી દૃષ્ટિએ’(1952)માં પ્રસરતો રહેલો. એમણે ‘મધ્યમ પિંગળ’ પણ લખેલું જે છેક 1981માં સંપાદન રૂપે પ્રગટ થયેલું છે. પિંગળ અંગે સતત ચાલેલું એમનું આ મહત્ત્વનું વિદ્યાકાર્ય એમણે અત્યંત શ્રમ ઉપરાંત અખૂટ રસથી કર્યું.

પરંતુ એમનો આ ગ્રંથ ‘બૃહત્ પિંગળ’ પ્રકાશિત થાય એના થોડાક જ દિવસો પહેલાં એમનું અવસાન થયું! આ ગ્રંથની ગુજરાતી લિપિમાં નવી આવૃત્તિ 1992માં પ્રગટ થયેલી છે. પરંતુ આ પહેલી આવૃત્તિ (મુદ્રિત રૂપમાં) હવે દુર્લભ છે.

– રમણ સોની

રામનારાયણ વિશ્વનાથ પાઠક

રામનારાયણ વિશ્વનાથ પાઠક (1887-1955) : આપણા સંમાન્ય વિવેચક રા. વિ.પાઠકનો જન્મ ધોળકા પાસેના ભોળાદમાં, મુંબઈમાંથી તર્કશાસ્ત્ર અને ફિલસૂફી સાથે બી.એ. અને એલએલ.બી. થઈને એમણે 1911થી અમદાવાદમાં થોડાંક વર્ષ વકીલાત કરી. એ છોડીને 1921થી વિદ્યાપીઠમાં ફિલસૂફી અને સાહિત્યનું અધ્યાપન કર્યું. 1925થી ‘પ્રસ્થાન’ સામયિકના તંત્રી તરીકે જૂની-નવી પેઢી સાથે પ્રેરક અનુબંધ રચ્યો, ને શિક્ષક-વિવેચક તરીકે ‘ગાંધીયુગના કાવ્યગુરુ’ ગણાયા. પછી મુંબઈ-અમદાવાદની કોલેજોમાં પણ અધ્યાપન કર્યું.

મુખ્યત્વે એ ગુજરાતી સાહિત્યના વિવેચક – પંડિતયુગ અને ગાંધીયુગના સેતુરૂપ એક વરિષ્ઠ વિદ્વાન અને પિંગળકાર. ‘અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો’(1933) વગેરે 10 જેટલાં પુસ્તકોમાં એમની અવિરત વિવેચન-સાધના અંકિત થઈ છે. ‘બૃહત્ પિંગળ’(1955) એમનો અપ્રતિમ પિંગળગ્રંથ છે.

એ ઉપરાંત એમણે ‘દ્વિરેફ’ ઉપનામે વાર્તાસર્જન કર્યું – ગુજરાતી વાર્તાના આરંભકાળે પણ રચના-પ્રયોગશીલ નમૂનેદાર વાર્તાઓ આપી – એ ‘દ્વિરેફની વાતો’ના 3 ભાગો(1928, 1935, 1942)માં પ્રગટ થઈ છે ; ‘શેષ’ ઉપનામે સહજ ભાષાશૈલીમાં, ઊર્મિ-ચિંતન ઉભયના સ્પર્શવાળી છંદબદ્ધ ને ગીતકવિતા લખી – એ કાવ્યો ‘શેષનાં કાવ્યો’ (1938)માં ને પછી ‘વિશેષ કાવ્યો’(1959)માં સંચિત થયાં છે; ‘સ્વૈરવિહારી’ નામે એમણે હળવી શૈલીના ને પ્રાસાદિક વિચાર-વિમર્શના નિબંધો લખ્યા – એ ‘સ્વૈરવિહાર’ના 2 ભાગ(1931,1937)માં પ્રગટ થયા. એ ઉપરાંત પણ એમનાં ગદ્ય-પુસ્તકો પ્રગટ થયાં છે.

મમ્મટાચાર્યના ‘કાવ્યપ્રકાશ’નો રસિકલાલ પરીખ સાથે કરેલો અનુવાદ(1924), તેમજ અનેકવિધ સંપાદનો-સંચયો એમણે અભ્યાસીઓ, વિદ્યાર્થીઓ તથા જિજ્ઞાસુ સાહિત્યરસિકો માટે કરેલાં છે.

‘પાઠકસાહેબ’ના આદરણીય સંબોધનથી ઓળખાતા રહેલા રા.વિ.પા.ના સર્જન-વિવેચનના કોઈપણ લખાણનો મુખ્ય ગુણધર્મ પ્રાસાદિકતા ને પારદર્શતા રહ્યો છે એ એમના પ્રદાનની એક વિશેષ ને વિશિષ્ટ ઓળખ છે.

– રમણ સોની