– અને ભૌમિતિકા

ભીખુ કપોડિયા

સાબરકાંઠાના કપોડા ગામમાં જન્મેલા, ઉછરેલા અને પછીથી મુંબઈમાં સ્થાયી થયેલા ભીખુ કપોડિયાનો આ એકમાત્ર કાવ્યસંગ્રહ છે. સંગ્રહના શીર્ષકકાવ્યમાં 'ભૌમિતિકા' – પૃથ્વીની દેવી – જે હજુ સુધી ક્યારેય પ્રગટ નથી થઈ તેને પામવાની અભિપ્સા વ્યક્ત થઈ છે. આ સંગ્રહમાં ગીતોનું પ્રાધાન્ય છે, ઉપરાંત નવા નવા સંવેદનવિષયોને રચનાબદ્ધ કરતી કેટલીક અછાંદસ રચનાઓ પણ અહીં સમાવિષ્ટ છે. ગ્રામજીવન અને ગ્રામસંસ્કૃતિ વચ્ચે ઊછરેલા આ કવિના ગીતોમાં પ્રણયરાગ અને પ્રકૃતિરાગ મુખ્ય છે. ગ્રામવતનનાં સ્મરણોના લયમધુર ગીતોમાં રમણીય ગ્રામીણ-પ્રાકૃતિક પરિવેશ અનાયાસ ગૂંથાયો છે. ગીતોમાં તળપદ અનુભૂતિઓની અભિવ્યક્તિમાં દૃશ્યકલ્પનોનો વિનિયોગ, ઈન્દ્રિયસંવેદ્યતા, ભાષામાધુર્ય, અલંકાર-પ્રતિક-કલ્પનો અને ગીતપ્રવાહને અપેક્ષિત લયગ્રથન દ્વારા કવિકર્મનો સંસ્પર્શ અનુભવાય છે. આધુનિકતાનો પ્રભાવ ઝીલતી 'જોડાં' અને 'અળસિયું' જેવી કવિની પ્રયોગશીલ અને વિલક્ષણ અછાંદસ રચનાઓ અહીં છે તો દ્રુતગતિ લયમાં રચનાબદ્ધ 'તમે ટહુકયાં ને આભ મને ઓછું પડ્યું' જેવી કવિની આકર્ષક અને લોકપ્રિય નીવડેલી ગીતરચના પણ અહીં છે. કવિની સંવેદનશીલતા અને પ્રયોગશીલતા – એમ ઉભયમાંથી પ્રગટ થતી આકર્ષક કવિમુદ્રાનો પરિચય કરાવતી આ રચનાઓમાંથી પસાર થવું વાંચકોને ગમશે.

— અનંત રાઠોડ

ભીખુ કપોડિયા

સાબરકાંઠાના ઈડરના કપોડા ગામમાં જન્મેલા ભીખુભાઈ કપોડિયા બાળપણથી જ કવિતા લખતા. આઠમા ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્યારે મુક્તકો - સુભાષિતો લખીને તેમના શિક્ષક પ્રવીણ ભટ્ટને બતાવતા. ૧૯૬૬માં મુંબઈ આવવાનું થયું અને સિદ્ધાર્થ કૉલેજમાં જયંતભાઈ પારેખ પાસે ગુજરાતી શીખવાનું મળ્યું. જયંતભાઈ એમનાં છંદોબદ્ધ કાવ્યો, ગીતો વાંચી 'કવિલોક'ની એ વખતની લિપિની પ્રેસમાં મળતી બેઠકમાં લઈ ગયા અને ભીખુભાઈ લખે છે : “રાજેન્દ્રભાઈએ સાચા અર્થમાં શબ્દની ઓળખ કરાવી આપી. શબ્દ, ઔચિત્ય, એની અનિવાર્યતા અને યથાર્થતા - દરેક સંદર્ભમાં કેમ સાચવવાં એના પાઠ શીખવ્યા.” એ જ રીતે જયંતભાઈએ સુરેશ જોષીનો પરિચય કરાવ્યો અને કવિની કાવ્યસાહિત્ય વિશેની સૂઝે જુદો વળાંક લીધો. ભીખુભાઈ કપોડિયા પાસેથી ‘અને ભૌમિતિકા’ (૧૯૮૮) કાવ્યસંગ્રહ મળે છે, તેમાં ગીતો અને અછાંદસ રચનાઓ છે. તેમના ગીતોમાં લગ્ન, પ્રેમ, મિલન જેવા વિષયો લયબદ્ધતા અને ઇન્દ્રિયપ્રત્યક્ષતાને કારણે આસ્વાદ્ય બની આવે છે. ‘તમે ટહુક્યાંને આભ મને ઓછું પડ્યું...’માં પ્રણયની પ્રસન્નતા વ્યક્ત થઈ છે તો પ્રકૃતિનું સુંદર ચિત્ર 'ડાળથી ફૂટ્યો’માં છે. એમનાં અછાંદસ કાવ્યોમાં આધુનિકતાનો સ્પર્શ જોવા મળે છે. તેમાંનાં ‘જોડાં' અને ‘અળસિયાં’ નોંધપાત્ર કાવ્યો છે.

—પારુલ કંદર્પ દેસાઈ

‘ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ’ ગ્રંથ : ૮ (ખંડ ૧)માંથી ટૂંકાવીને