આધુનિક કવિતાપ્રવાહ

જયન્ત પાઠક

‘આધુનિક કવિતાપ્રવાહ’ ઈતિહાસલેખનનો એક શકવર્તી પુરુષાર્થ છે. સુન્દરમ્-નું ‘અર્વાચીન કવિતા’ અટકે છે ત્યાંથી એમાં અર્વાચીન કવિતાનો ઈતિહાસ આગળ ચાલે છે. લેખકે એમાં શરૂઆતમાં નર્મદદલપતયુગ અને પંડિતયુગનાં વિશિષ્ટ લક્ષણો, તેના પ્રયોગો ને સિદ્ધિ-મર્યાદાઓ, તે સમયની રાજકીય, સામાજિક અને ધાર્મિક ભૂમિકા આપીને સંક્ષેપમાં દર્શાવ્યાં છે. અને એ ગાળાના મુખ્ય કવિઓની સમગ્ર કાવ્યપ્રવૃત્તિનું અવલોકન કરી તેમના વિશિષ્ટ પ્રદાનને મૂલવ્યું છે. નવીન કવિતામાં ભાષા, છંદ, વિષય અને ભાવાભિવ્યક્તિ જેવાં અંગો પર પ્રબળ પ્રભાવ પાથરનારા ઠાકોરની કાવ્યપ્રવૃત્તિ, તેમના પ્રયોગો અને સિદ્ધિઓની અહીં વિસ્તૃત વિવેચના છે. અને સુન્દરમ્, ઉમાશંકર તથા ત્રીશીના અન્ય કવિઓના પ્રદાનની તેના પ્રકાશમાં છણાવટ થઈ છે. નવતર કવિતાની અહીં વિસ્તૃત વેવેચના છે. લેખક દરેક તબક્કે સાંસ્કૃતિક ભૂમિકા અને પરિબળોનો આલેખ આપે છે અને ઈતિહાસલેખન અંગેની સૂઝ, સજ્જતા અને પરિપક્વતાનાં દર્શન કરાવે છે.

— દક્ષા વ્યાસ

જયન્ત પાઠક

જયન્ત પાઠક ગુજરાતી ભાષાના અગ્રગણ્ય કવિ, મૂર્ધન્ય વિવેચક, સમર્થ લલિત ગદ્યકાર અને અવિસ્મરણીય સ્મૃતિકથાના લેખક છે. એમનો જન્મ પંચમહાલના દેશી રાજ્ય દેવગઢબારિયાના રાજગઢ તાલુકાના નાનકડા ગામ ગોઠમાં થયો અને શિક્ષણ ગોઠ, કાલોલ અને સૂરતની એમ.ટી.બી કૉલેજમાં લીધું. ગોઠમાં ઘરને લાગીને જ વગડો વિસ્તરેલો હતો, બાળપણમાં એને ખૂંદ્યો હતો તેથી એ વન-વતનનું એમને તીવ્ર આકર્ષણ રહ્યું. એમની કવિતામાં આ વન-વતનના ઝુરપાનો ભાવ તીવ્ર સ્વરૂપે અંકિત થયો છે. સ્મૃતિકથા ‘વનાંચલ’માં પણ.


કવિતાના એમના ૧૩ સંગ્રહો પ્રસિદ્ધ થયા છે. ‘વિસ્મયલિપિ’માં એમની સમગ્ર ગ્રંથસ્થ કવિતા અને ‘ઉત્કંઠ’ના ત્રણ ભાગમાં અગ્રંથસ્થ કવિતા સંગ્રહિત થયેલી છે. તેઓ તત્ત્વતઃ ઊર્મિકવિ છે. એમની કવિતામાં ઉત્કટ પ્રણયભાવ – વિરહની વેદના, પ્રકૃતિનો સૌંદર્યલોક અને અતીતરાગ તથા અધ્યાત્મભાવ અને ઊર્ધ્વજીવનની ઝંખના મુખ્યત્વે વ્યક્ત થઈ છે. પાંચમા દાયકાના પ્રમુખ કવિઓમાં તેમનું સ્થાન છે. એમના ગદ્યની સર્જકતાનો આગવો ઉઘાડ સ્મૃતિકથા ‘વનાંચલ’ અને લલિત નિબંધો ‘તરુરાગ અને નદીસૂક્ત’માં માણવા મળે છે. તેમની સમતોલ, ગંભીર, વિચારણીય વિવેચના વિવેચનજગતને આગવું પ્રદાન છે. એમના અનુવાદો પણ નોંધપાત્ર છે.

—દક્ષા વ્યાસ