મારી હકીકત

નર્મદ

બહુ જ નિખાલસતાથી અને હિમ્મતપૂર્વક સત્ય-કથન કહેનારી આ આત્મકથા છે. એમાં કવિ નર્મદના જીવનની અને એમના સમયની અનેક દસ્તાવેજી વિગતો હોવા છતાં, આ કથા આરંભથી અંત સુધી આપણને પકડી રાખે એવી રસપ્રદ પણ છે. ગુજરાતી ભાષાની એક ચિરંજીવ સાહિત્યકૃતિ તરીકે એની ગણના થાય છે.

અહીં મૂળ આત્મકથા ઉપરાંત નર્મદે લખેલી ડાયરી અને પત્રો પણ છે; વળી, વિવિધ હસ્તાક્ષરો અને ફોટોગ્રાફ પણ સામેલ છે –એ બધું રસપૂર્વક આપણને એમના જમાનામાં લઈ જાય છે.

ગુજરાતીની આ પહેલી આત્મકથા – લખાયેલી 1886માં.(ને ત્યારે થોડીક નકલો કવિએ છપાવેલી). પરંતુ, આ પુસ્તક પ્રકાશિત થયું નર્મદના જન્મ-શતાબ્દી વર્ષ 1933માં. દરમિયાન, 1926માં ગાંધીજીની આત્મકથા `સત્યના પ્રયોગો’ પ્રગટ થઈ ગયેલી.

તો, પ્રવેશો કવિ નર્મદના આ રોમાંચક આત્મકથનમાં...

નર્મદ

દવે નર્મદાશંકર લાલશંકર (જ. 24 ઑગષ્ટ 1833 – અવ. 25 ફેબ્રુઆરી 1886) એટલે ગુજરાતી સાહિત્યમાં ‘અર્વાચીનોમાં આદ્ય’ તરીકે ઓળખાયેલા કવિ નર્મદ.

અંગ્રેજી ભાષા-સાહિત્યના સંસ્કારો ઝીલીને એમણે ઉત્સાહથી અને ખંતથી કવિતા, નિબંધ, આત્મકથા, કોશ... એમ નવાં નવાં ક્ષેત્રે પહેલ કરી. સુધારક વિચારકના સાચા આવેશ અને સક્રિયતાથી ‘ડાંડિયો’ સામયિક ચલાવ્યું. અંગ્રેજોની પરંપરામાં હતી એવી Clubs જેવી વિચાર-મંડળીઓ રચીને એમણે નવા વિચારનાં, સુધારાનાં ભાષણો કર્યાં. સામાજિક-ધાર્મિક પાખંડીઓ સામે બળવો કર્યો. આજે પણ એમનાં એ બધાં છપાયેલાં લખાણો વાંચતાં એમાં એમનો અવાજ સાંભળી શકાય – એટલું જીવંત છે એમનું ગદ્ય-સાહિત્ય!

પરંતુ, ‘જય જય ગરવી ગુજરાત’ લખનાર આ કવિ સતત નવી લઢણની અનેક કાવ્યકૃતિઓ લખીને ‘કવિ નર્મદ’ તરીકે વધુ ખ્યાત થયા.

વ્યવસાયે શિક્ષક ને સાધારણ સ્થિતિના આ કવિ આખું જીવન સ્વમાનભેર જીવ્યા. જે સત્ય લાગ્યું તે સ્પષ્ટ કહેવાને લીધે એમને નુકસાન પણ વેઠવું પડ્યું પણ સુધારક-પત્રકારધર્મ અને કવિધર્મ એમણે કદી પણ ન છોડયાં.

(પરિચય - રમણ સોની)