એકત્ર-પરિચય

આધુનિક સમયમાં, હવે ટેક્નોલોજીની નવી શોધો આપણી વાચન-પદ્ધતિની મદદે આવી છે – પુસ્તક આપણે જે રીતે વાંચીએ છીએ તે જ રીતે કૉમ્પ્યુટરના સ્ક્રીન પર, મોબાઈલ પર, આઈ-પૅડ પર વાંચી શકીએ છીએ – આંગળીથી પુસ્તકનું પાનું ઉથલાવીએ એ જ રીતે આંગળીના સ્પર્શથી ઈલેક્ટ્રોનિક પુસ્તકનું પાનું ઉથલાવી શકાય છે, એ જ સ્પર્શથી અક્ષરો નાના-મોટા કરી શકાય છે. મુદ્રિત પાનાં વાંચીએ એ જ સગવડથી ને નિરાંતથી આ વીજાણુ પાનાં પણ વાંચી શકાય છે – એવી વ્યાપક સુવિધા માટે ‘એકત્ર’ નામની એક નાનકડી સહયોગી સંસ્થા અમે ઊભી કરી છે. વાચનની એક અર્થપૂર્ણ ડિઝિટલ વ્યવસ્થા અમે રચી રહ્યા છીએ, આપણા સૌને માટે.

‘એકત્ર’ અત્યારે ત્રણ દિશામાં એકસાથે પ્રવૃત્ત છે : ગુજરાતી સાહિત્યનાં છેલ્લાં 200 વર્ષમાંનાં પ્રશિષ્ટ અને રસપ્રદ એવાં, (પહેલે તબક્કે) 100 પુસ્તકો વીજાણુ-ગ્રંથશ્રેણી રૂપે, દુનિયાભરમાં વસતા ગુજરાતી વાચકોને એમના મોબાઈલ પર, આઈ પેડ પર, કૉમ્પ્યુટર પર સુલભ કરી આપવાં, ગુજરાતી સાહિત્યને હવે મુદ્રણ ઉપરાંત વિજાણુ દ્રષ્ટી ફલક પર મૂકવા માટે, પેપર તરફથી ડીજીટલ તરફના પ્રયાણમાં નડતર ટેકનીકલ કૌશલથી સુવિધા ઊભી કરવી તથા, એક ઈ-મેગેઝિન શરૂ કરવું.

ગુજરાતી લેખન-વાચનની પ્રક્રિયામાં, ટેકનોલોજીના ઉપયોગ વડે આવી રહેલાં પરિવર્તનને ‘એકત્ર’ એક ડગલું આગળ લઈ જવા માંગે છે . ‘એકત્ર’ એવી એક બારી ઊભી કરવા માંગે છે કે જેમાં ઘરના કબાટ કે છાજલી પરથી જેમ પુસ્તકો લઇને વાંચી શકાય તે જ આસાનીથી કૉમ્પ્યુટરના સ્ક્રીન પર આ પુસ્તકો વાંચી શકાય. આંગળીના ટેરવેથી જેમ પુસ્તકનાં પૃષ્ઠો ઉથલાવીએ છીએ તેમ જ પૃષ્ઠો ઉથલાવતાં જઇને વાંચવાની એક ડિજિટલ વ્યવસ્થા તરફ આગળ વધવું છે.

‘એકત્ર’માટે ગુજરાતી સાહિત્યનાં પુસ્તકો સુલભ કરવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે.સાહિત્યનાં હાલનાં પ્રકાશનો, તથા પૂર્વેનાં પ્રકાશનો હાથવગાં કરાવવાં છે. અહીં આ પુસ્તકોને ડાઉનલોડ કરીને સાચવી પણ શકાય અને અથવા ઓનલાઈન પણ વાંચી શકાય એવી વ્યવસ્થા ઊભી કરવી છે.

‘એકત્ર’માં પુસ્તકો ઉપરાંત ઓડિયો બુક્સ પણ ઉપલબ્ધ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. કૉમ્પ્યુટરની મદદથી પુસ્તકો વાંચવાની સાથે સાથે જ સાંભળી શકાય એવી પણ એક વ્યવસ્થા ઊભી થઈ શકે એમ છે. અને આમ કરીને, સાહિત્યને શ્રવણ દ્વારા પામવાની એક રોમાંચક અનુભૂતિ સુધી લઈ જનારી શક્યતાને પણ અમારે સાકાર કરવી છે.

સામયિકોનું પ્રકાશન પણ ‘એકત્ર’માં થાય એમ ઇચ્છનીય છે. હાલ પ્રકાશિત થઈ રહેલા સામયિકો ઉપરાંત ‘એકત્ર’ દ્વારા સંપાદિત સામયિકને પણ અહીં પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આપને જાણીને આનંદ થશે કે આપણા જાણીતા સાહિત્ય-વિવેચક-સંપાદક શ્રી રમણ સોનીના સંપાદનમાં આવું એક સામયિક ‘સંચયન’ અમે આરંભી દીધું છે – 2013ના ઓગસ્ટથી.

ગુજરાતી ભાષામાં પુસ્તકો ઘણાં છે. એમાં કેટલાંક વધુ મહત્ત્વનાં છે. પરંતુ દુનિયાભરમાં પથરાયેલા ગુજરાતીઓ સુધી એ પહોંચી શકતાં નથી, અને પહોંચાડવાં અત્યંત મુશ્કેલ પણ છે. ઉપરાંત, અનેક પુસ્તકોમાંથી ઉત્તમ કયાં તે પસંદ કરવાનું ને એને મંગાવવાનું સૌ માટે અશક્ય છે. વળી, વાચનમાં રસ હોય તો પણ સમયના અભાવે, બધાં જ પુસ્તકો વાંચી શકાતાં નથી. આ સંજોગોમાં આપણાં ઉત્તમ પુસ્તકોની એક યાદી બનાવી તેને ઇબુકમાં, ઇલેક્ટ્રોનિક પુસ્તકમાં, ફેરવી ગુજરાત બહાર રહેતા ગુજરાતીઓને ઉત્કૃષ્ટ વાચન પહોંચાડવાનો એક સાહસિક પણ જરૂરી સંકલ્પ અમે કર્યો છે.

‘એકત્ર’ દ્વારા પ્રકાશિત પુસ્તકો એપલ અને ગુગલ અને કીન્દ્લ પરથી ડાઉનલોડ કરી શકાશે. કોઈ પણ ઉપકરણ દ્વારા ‘એકત્ર’ સુધી પહોંચી શકાય એવી ગોઠવણ કરવામાં આવી રહી છે. મોબાઈલથી લઈને કોમ્પુટર સુધીનાં સાધનોમાં ‘એકત્ર’ દ્વારા પુસ્તકો વાંચી શકાય એમ છે.

ગુજરાતી સાહિત્યને, કોમ્પુટરની એકજ ક્લિક દ્વારા, આંખ સામે રજૂ કરવું કે પછી કાન દ્વારા પામવું, એવી અનુકૂળતા ઊભી કરી આપનારી વ્યવસ્થા, નામે ‘એકત્ર’ને આપનો આવકાર અને આપનો સહકાર મળી રહેશે એવો વિશ્વાસ છે.

-અતુલ રાવલ